ધર્મ દર્શન / તિથિના સંયોગ વચ્ચે આ વખતે આઠ દિવસની હશે નવરાત્રિ, 7 ઓક્ટોબરે થશે ઘટ સ્થાપન.

  • 29-Sep-2021 09:14 AM

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે નવરાત્રિનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19ના કેસમાં એકદમ ઘટાડો થતાં સરકારે ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપી છે. બે વર્ષ બાદ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું હોવાથી ખેલૈયાઓ ખુશ છે અને તેમણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. જો કે, આ વર્ષે તિથિના સંયોગ વચ્ચે ચોથનો ક્ષય હોવાથી નવરાત્રિમાં એક દિવસ ઓછો હશે એટલે કે નવ દિવસ નહીં માત્ર આઠ જ દિવસ રમવા મળશે.

7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય ખાસ કરીને માતાજીના મંદિરોમાં પણ અનોખી રોનક જોવા મળશે. આ વર્ષે ચોથના ક્ષય સાથે જ ત્રીજ અને ચોથ એક જ દિવસે 9 ઓક્ટોબરે ઉજવાશે. ગુરુવારે 7 ઓક્ટોબરના રોજ આસો સુદ પડવાની સાથે જ શારદીય નવરાત્રિની શરૂઆત થશે.

ઘટ સ્થાપન, દીપ સ્થાપન, કળશ સ્થાપના મુહૂર્ત માટે સૂર્યોદય પ્રમાણે શુભ ચોઘડિયુ સવારે 6.30થી 8 વાગ્યા સુધીનું છે. 13 ઓક્ટોબરના રોજ બુધવારે સવારે આસો સુદ આઠમની સાથે જ ઉપવાસ તેમજ હવનાષ્ટમી, હવન પૂજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસનું નવરાત્રિ પર્વ હોય છે.

જો કે, આ વર્ષે ચોથનો ક્ષય હોવાથી 9 ઓક્ટોબર, શનિવારે સવારે 7.47 વાગ્યા વાગ્યા સુધી જ ત્રીજ છે અને પછી ચોથ બેસે છે. તેથી, વિનાયક ચોથ શનિવારે જ કરવાની રહેશે. 12 ઓક્ટોબરના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે. તે દિવસે રાતે 9.49 વાગ્યાથી આઠમ શરૂ થાય છે. બુધવારે 13 ઓક્ટોબરે રાતે 8.08 વાગ્યા સુધી આઠમ સાથે મહાષ્ટમી, હવનાષ્મીની ઉજવણી થશે.

જ્યોતિષના કહેવા પ્રમાણે, 7 ઓક્ટોબરે ચિત્રા નક્ષત્ર, વૈધૃતિ યોગ, બાલવ કરણ અને ચંદ્રની કન્યા રાશિમાં નવરાત્રિની શરૂઆત થશે. ગુરુવારે ચિત્રા નક્ષત્ર રાતના 9.13 વાગ્યા સુધી જ છે જ્યારે વૈધૃતિ યોગ મોડી રાતે 1.40 વાગ્યા સુધી છે. આઠ દિવસ બાદ 14 ઓક્ટોબરે મહાનવમી સાથે જ શારદીય નવરાત્રિની સમાપ્તિ થશે. જ્યારે 15 ઓક્ટોબરે આસો સુદ દશમ નિમિત્તે વિજયાદશમી પર્વ ઉજવાશે.

Share This :

Related Articles

Leave a Comment