રાજકારણ / UP Assembly election 2022: ચોથા તબક્કાનામાં 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન.

  • 23-Feb-2022 08:49 AM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે છે. યુપીનું પાટનગર લખનૌ, રાયબરેલી, પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ફતેહપુર, બાંદા અને ઉન્નાવની 59 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કાના મતદાનમાં મોદી સરકારના મંત્રી અજય મિશ્રા ટેની અને કૌશલ કિશોરની સાથે સાથે યોગી સરકારના 4 મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે અને તે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં ચોથા તબક્કામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્વક મતદાન યોજાય તે માટે 860 કંપની અર્ધસૈનિક સુરક્ષા દળને ગોઠવવામાં આવ્યા છે


ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના આ ચોથા તબક્કામાં કુલ 2.12 કરોડ મતદાતા 624 ઉમેદવારના નસીબ અંગે નિર્ણય લેશે. કુલ મતદાતા પૈકી 1.14 કરોડ પુરુષ અને 99 લાખ મહિલા છે. જ્યારે ઉમેદવારોમાં 91 મહિલા પણ ચૂંટણી મેદાનમાં છે. આ સાથે 13,817 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ પૈકી 874 આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યારે 142 બૂથ પર તમામ મહિલા કર્મચારી હશે. આ તબક્કામાં રામ મંદિર, લખીમપુર ખીરી હિંસા, રખડતા ઢોર, રોજગારી અને ખેડૂતોની સમસ્યા મહત્વના મુદ્દા છે. જનતા આ મુદ્દાના આધારે પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને પોતાનો જન પ્રતિનિધિ ચૂંટશે.

કોંગ્રેસ અને ભાજપ માટે આજે પ્રતિષ્ઠા સાચવવાનો ખરો જંગ
એક તરફ કોંગ્રેસ સામે પોતાનો ગઢ રાયબરેલી બચાવવાનો પડકાર છે. તો બીજી તરફ લખીમપુર કાંડ પછી અહીં ભાજપ માટે અગાઉ જેવું પ્રદર્શન કરવું તે પ્રતિષ્ઠાનો જંગ બની ગોય છે. જ્યારે યુપીની રાજધાની અને ભાજપના દિગ્ગજ નેતા સ્વ. અટલ બિહારી વાજપેયીના વર્ચસ્વવાળા લખનૌમાં આ વખતે કમળ ખીલશે કે પછી વિપક્ષ બાજી પલટાવી મારશે. આ બધા સવાલો વચ્ચે તમને જણાવી દઈએ કે યુપીમાં અત્યાર સુધી ત્રણ તબક્કામાં 172 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે.


2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ 59 પૈકી 51 બેઠકો કેસરિયો ફરકાવ્યો હતો
ચોથા તબક્કાની 59 બેઠકોમાંથી 51 બેઠકો પર હાલ ભાજપ ગઠબંધનનો કબજો છે. જેમાં ભાજપને 50 બેઠકો અને એક સીટ અપના દળ (એસ)ને મળી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને 4 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને બસપાએ 2-2 સીટો જીતી હતી. કોંગ્રેસની ટિકિટ પર જીતનારા બંને વિધાયક અને બીએસપીના એક વિધાયકે હવે કેસરિયો ધારણ કરી લીધો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે ચાર જિલ્લાઓમાં ક્લિન સ્વીપ કર્યું હતું. આવામાં જ્યાં ભાજપ સામે બાદશાહત ટકાવવાનો પડકાર હશે ત્યાં વિપક્ષી પાર્ટીઓને સત્તામાં આવવાનો અને પોતાનું અસ્તિત્વ બચાવવાનો ડર સતાવી રહ્યો છે.

Share This :

Related Articles

Leave a Comment