ઇન્ડિયા / ધોરણ 1થી 5ના વર્ગો ધીમે-ધીમે ભરાવા લાગ્યા, સ્કૂલે જતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી.

  • 25-Nov-2021 09:35 AM

 ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે પણ સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. પહેલા દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ રાજ્ય શિક્ષણ વિભાગના ડેટા દર્શાવે છે કે બીજા દિવસે સરકારી સ્કૂલોમાં હાજરી બમણા કરતાં પણ વધુ હતી.

રાજ્યની આવી 32,978 સ્કૂલોમાં મંગળવારે ધોરણ 1થી 5 માટે હાજરી 34.96% હતી. 19 મહિના કરતા વધુ સમય બાદ સોમવારે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી ખુલ્યા બાદ સરકારી સ્કૂલોમાં આ વર્ગોમાં 33,15,262 વિદ્યાર્થીઓમાંથી 11,59,160 હાજર રહ્યા હતા.

સૌથી વધારે હાજરી નવસારી જિલ્લામાં નોંધાઈ હતી, જ્યાં મંગળવારે આ ધોરણના 56.4 ટકા એટલે કે 51,722માંથી 29,173 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તમામ જિલ્લાઓમાંથી સૌથી ઓછી હાજરી ગાંધીનગરમાં હતી, જ્યાં 74,235માંથી 28.6 ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં 34.29 ટકા અથવા 1,29,103માંથી 35,010 વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે રવિવારે અચાનક જાહેરાત કરી હતી કે, 21 નવેમ્બરે દિવાળી વેકેશન ખતમ થયા બાદ તરત જ એટલે કે સોમવારથી ધોરણ 1થી 5 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. સ્કૂલના સત્તાધીશો પાસે તૈયારી કરવા માટે ખૂબ ઓછો સમય હતો કારણ કે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે પાછા મોકલતા પહેલા શાળાઓમાં સંમતિ પત્ર જમા કરાવવાની જરૂર પડે છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 465 સ્કૂલોમાંથી મંગળવારે માત્ર 15.5 ટકા એટલે કે 1,02,855 માંથી 15,956 વિદ્યાર્થીઓએ હાજરી નોંધાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ-19 ગાઈડલાઈન્સ પ્રમાણે, સ્કૂલોમાં ક્લાસમાં કુલ સંખ્યાના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને જ બેસાડવાની મંજૂરી છે.

તમામ વર્ગ માટે નવું શૈક્ષણિક સત્ર 22 નવેમ્બરથી શરૂ થયું હતું અને ધોરણ 1થી 5 માટે પણ ઓફલાઈન શિક્ષણ ફરીથી શરૂ કરવાના સરકારના નિર્ણયનું આ એક કારણ હતું. કોવિડ 19ના કેસ પણ ઘટતા સરકારે નિર્ણય લીધો હતો.

વાલીઓ તરફથી સંમતિ પત્ર મળ્યા બાદ ખાનગી શાળાઓ પણ આગામી કેટલાક દિવસોમાં સ્કૂલો શરૂ કરે તેવી શક્યતા છે.

Share This :

Related Articles

Leave a Comment