ગુજરાત / કોરોનાના લીધે સ્વજન ગુમાવનારા અમદાવાદના 3,412 પરિવારોને ચૂકવાશે ₹50,000નું વળતર.

  • 25-Nov-2021 10:14 AM

કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને 50,000 રૂપિયા વળતર ચૂકવવામાં રાજ્ય સરકારે વિલંબ કરતાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. જે બાદ બુધવારે રાજ્ય સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને તેમના બેંક અકાઉન્ટની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી, જેથી રૂપિયા ટ્રાન્સફર કરી શકાય.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને માહિતી આપતાં જણાવ્યું કે, અમદાવાદમાં કોવિડથી 3,412 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 3,319 મૃત્યુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં થયા છે અને 93 જિલ્લામાંથી નોંધાયા છે.

"મૃતકોના પરિવારજનોના નંબર અને એડ્રેસ પ્રાપ્ત કરવા માટે ટીમો તૈયાર કરાઈ છે. આ ટીમો પરિવારો પાસે જશે અને તેમની બેંકની વિગતો મેળવશે. જો કોઈ મૃતકના એક કે તેથી વધુ વારસદાર અથવા અધિયાચક હશે તો પરિવાર માટે સલાહનીય છે કે તેઓ બીજા વારસદાર પાસેથી એક બેંક અકાઉન્ટને નોમિનેટ કરવા માટે એફિડેવિટ કરાવી લે જેથી રકમ તેમાં જમા કરાવી શકાય. રકમ આપવા માટે વહીવટીતંત્ર લાભાર્થીઓ સુધી પહોંચશે", તેમ કલેક્ટરે ઉમેર્યું.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, 10,000થી વધુ પરિવારોને વળતરની રકમ ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનાવાશે કારણકે તેમની પાસે કોરોનાથી મોત થયું હોવાના પુરાવા છે. "અન્ય માપદંડોને આવરી લેતાં પરિવારોને પણ જલદી જ વળતર ચૂકવાશે", તેમ તેમણે ઉમેર્યું

રાજ્ય સરકારે તાજેતરમાં જ બે જાહેરનામા બહાર પાડ્યા હતા જેમાં કોરોના પોઝિટિવ થયાના 30 દિવસમાં મૃત્યુ પામનારા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે લોકોએ આ નિયત સમયગાળામાં જીવનનો અંત આણ્યો હોય તેમનો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

નિષ્ણાતોના મતે, જે પરિવારો પાસે સ્વજનનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોવાનો ઉલ્લેખ કરતું ડેથ સર્ટિફિકેટ નથી તેમના માટે સ્થિતિ કપરાં ચઢાણ જેવી છે. રાજ્યના વહીવટી વિભાગનું કહેવું છે કે, સરકાર પાસે રજિસ્ટર થયેલા 10,091 પરિવારને વળતર ચૂકવવું હાલ તો તેમની પ્રાથમિકતા છે.

રાજ્યના આરોગ્ય અને કલ્યાણ વિભાગના ટોચના અધિકારીઓએ કોર્ટમાં જમા કરાવેલો ડ્રાફ્ટ ઉતરતી કક્ષાનો હતો, જેને લઈને સુપ્રીમ કોર્ટે હાલમાં જ તેમને ઠપકો આપ્યો હતો. અગાઉ જસ્ટિસ એમ.આર. શાહ અને બી.વી.નાગરત્નની ખંડપીઠે નોંધ્યું હતું કે, તપાસ સમિતિની રચના રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર આપવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલા નિર્દેશોની અવમાનના કરવાનો પ્રયાસ હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગુજરાત સરકારે અગાઉ શહેર અને જિલ્લા સ્તરે કોવિડથી મૃત્યુ થયા છે તે સુનિશ્ચિત કરવા માટે સમિતિ બનાવી હતી. જેને બાદમાં રદ્દ કરીને વળતર આપવાની સત્તા જિલ્લા કલેક્ટરોને અપાઈ હતી. જણાવી દઈએ કે, મૃતકોના પરિવારજનોને જે રકમ ચૂકવાશે તે રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી અપાશે. આ અંગેનો ઉલ્લેખ લેટેસ્ટ જાહેરનામામાં કરાયો છે.

Share This :

Related Articles

Leave a Comment