ઇન્ડિયા / રાજ્યમાં ત્રીજી લહેરની શક્યતા નહિવત્, રાત્રી કર્ફ્યૂ ઉઠાવી લેવાની સરકારની તૈયારી.

  • 25-Nov-2021 10:14 AM

 ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને તેના કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોના જીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા હતા. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકોના જીવન પણ ધીરે ધીરે પાટા પર ચઢી રહ્યા છે. નોંધનીય છે કે અત્યારે રાજ્યભરમાં લગ્નગાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. અત્યારે લગ્ન સહિતના સામાજિક સમારંભમાં માત્ર 400 લોકોની જ મર્યાદા રાખવામાં આવી છે. આ કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધનીય છે કે ટુંક જ સમયમાં ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થશે અને ડિસેમ્બર મહિનાથી તેના કાર્યક્રમોની શરુઆત થઈ જશે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી મર્યાદા વધારીને 600થી 800 સુધી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સિવાય રાત્રી કર્ફ્યૂ ઉઠાવી લેવાની સંભાવનાની પણ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારી કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને તે સમયે પોલીસ અથવા તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જ્યારે બીજી બાજુ લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમોમાં તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ વ્યવહારને કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી છે.

દેશભરમાં ત્રીજી લહેર આવવાની શક્યતા હતી અને સરકારોએ તેના માટે તૈયારીઓ પણ શરુ કરી હતી. પરંતુ હવે ત્રીજી લહેરની શક્યતા નહિવત્ત થઈ રહી છે ત્યારે આરોગ્ય અને ગૃહ વિભાગ ટુંક જ સમયમાં તમામ પરિબળોનો અભ્યાસ કરીને ડિસેમ્બરથી કોરોના નિયંત્રણમાં છૂટ આપી શકે છે. નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મંત્રીઓને પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર હવે આ રજૂઆતો પર વિચારણા કરશે.


ઉલ્લેખનીય છે કે પ્રથમ ડિસેમ્બરથી રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાતને લગતા કાર્યક્રમોની શરુઆત થવાની છે. આ દરમિયાન અન્ય રાજ્યમાંથી આવનારા લોકોને રાત્રે મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. આ સિવાય અન્ય સેમિનાર અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી શકે છે. માટે સરકારે તે સમયે પણ છૂટછાટ આપવી પડી શકે છે. હવે આ બાબતે પૂરતી ચર્ચા કરીને ટૂંક સમયમાં કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે.

Share This :

Related Articles

Leave a Comment