ઇન્ડિયા / સંબંધ યથાવત્ રાખવાની ના પાડતા હત્યા બાદ યુવતીને સળગાવી, પ્રેમી સહિત ત્રણની ધરપકડ.

  • 25-Nov-2021 10:31 AM

દાહોદના સંજેલી તાલુકાના ભાણપુરા ગામના જંગલ વિસ્તારમાંથી સળગેલી હાલતમાં યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે વાંદરીયા ગામમાં રહેતા મેહુલ પરમાર તેમજ તેના બે મિત્રોની ધરપકડ કરી હતી.

પોલીસે કડક રીતે પૂછપરછ કરતાં મેહુલે તેના બે મિત્રો સાથે મળીને યુવતીની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. આરોપી મેહુલે જણાવ્યું હતું કે, તે અને મૃતક એક વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા, જો કે યુવતીએ સંબંધોને આગળ વધારવાની ના પાડતાં મેહુલે મિત્રો સાથે મળીને તેનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. કોઈને આ વાતની જાણ ન થાય અને પુરાવાનો નાશ કરવા માટે તેઓ યુવતીની લાશને જંગલમાં લઈ ગયા હતા અને ત્યાં ચહેરા પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

આરોપી મેહુલએ વધુમાં કબૂલાત કરી હતી કે, તે અને તેના બે મિત્રો બાઈક પર વાંદરીયા ગામ ગયા હતા. સવારે નવ વાગ્યાની આસપાસ તેણે યુવતીને મળવા માટે ત્યાં બોલાવી હતી. યુવતી એક્ટિવા લઈને જ્યારે ત્યાં પહોંચી ત્યારે મેહુલે તેને પીઠના ભાગ પર છરીના ઘા માર્યા હતા. જેના કારણે તે જમીન પર ઢળી પડી હતી અને મેહુલે મિત્રો સાથે મળી તેની હત્યા કરી હતી. હત્યામાં ઉપયોગમાં લીધેલા હથિયારને તેણે તળાવમાં ફેંકી દીધું હતું.

જે બાદ મેહુલ મિત્રોની મદદથી યુવતીને પોતાનું જેકેટ પહેરાવી તેની જ એક્ટિવા પર બેસાડી ભાણપુરા જંગલમાં લઈ ગયા હતા. જ્યાં તેના પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હતી. બાદમાં ત્રણેય નાસી ગયા હતા. ઘટનાસ્થળ પરથી પોલીસને યુવતીનું બેગ, જેકેટ અને ફાડી નાખેલા કેટલાક ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. યુવતી બે દિવસ પહેલા ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને પછી સીધા તેની હત્યાના સમાચાર મળતા પરિવારમાં હાલ શોકનો માહોલ છે.

Share This :

Related Articles

Leave a Comment