ગુજરાત / વિદ્યાર્થિનીની છેડતી કરનારા શિક્ષકને 2 વર્ષની જેલની સજા અને 10 હજારનો દંડ ફટકારાયો

  • 26-Nov-2021 10:16 AM

ધોરાજીની સેશન્સ કોર્ટે છ વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરનારા શિક્ષકને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે આ સાથે દોષિત શિક્ષકને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.


શિક્ષક પ્રફુલ માકડીયાને અગાઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. માકડીયાએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરીને તેની સજાને પડકારી હતી. પરંતુ ફરિયાદ પક્ષ તરફથી થયેલી દલીલને ધ્યાનમાં લેતા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ મહેશ ચંદ્ર શર્માએ માકડીયાની સજા અને દંડમાં વધારો કર્યો હતો.

કેસની માહિતી વાત કરીએ તો, માકડીયા રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામમાં આવેલી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. તેને વિદ્યાર્થિનીને અશ્વીલ વીડિયો બતાવવા અને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવા માટે દબાણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ભાયાવદર ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટેટે 8 ડિસેમ્બર, 2020ના રોજ તેને દોષિત ઠેરવ્યો હતો અને તેને 6 મહિનાની જેલની સજા તેમજ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

માકડીયાએ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં આ અપીલ દાખલ કરીને આ આદેશને પડકાર્યો હતો. સરકારી વકીલ કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે 'આ ગુનો કરવા બદલ શિક્ષકને માફ કરી શકાય નહીં. વર્તમાન કાયદા મુજબ ગુનાની સજા 10 વર્ષની છે, પરંતુ આ ગુનો 2010મા થયો હતો જ્યારે જૂનો કાયદો અમલમાં હતો. પોલીસે તેની પાસેથી પોર્ન વીડિયો પણ કબ્જે કર્યા હતા'.

'દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે દોષિતની સજામાં વધારો કર્યો હતો અને બે વર્ષની જેલની સજા આપી હતી', તેમ કાર્તિકેય પારેખે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

Share This :

Related Articles

Leave a Comment