બોલીવુડ / મા બનવાની છે, સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, મેં હમેશાંથી ફેમિલી અને બાળકની ઇચ્છા રાખી છે.

  • 26-Nov-2021 10:23 AM

બોલીવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર એના નિવેદનો માટે જાણીતી છે. હાલમાં તેણે દિલ્હીના એક અનાથઆશ્રમમાં બાળકીઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. હવે સ્વરા ભાસ્કર એક બાળક દત્તક લઇ રહી છે અને આ માટે તેણે પ્રક્રિયા શરું કરી દીધી છે. સ્વરા ભાસ્કરે એક સંભવિત દત્તક પેરેન્ટ તરીકે નોંધણી કરાવી છે અને હાલમાં બાળકને દત્તક લેવાના વેઇટિંગ લિસ્ટમાં છે.

આ પહેલા સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યૂમાં ફેમિલી અને બાળકની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન સ્વરાએ એમ પણ કહ્યું હતું કે, દેશમાં લાખો અનાથ બાળકો છે, જે અનાથઆશ્રમમાં રહે છે. સ્વરા ભાસ્કર હાલમાં બાળક લેવાની તૈયારી કરી ચૂકી છે અને સાથે સાથે એવા કપલ્સને પણ મળી રહી છે જેઓ બાળક દત્તક લઇ ચૂક્યા છે.

પોતાના ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, મેં હમેશાંથી એક ફેમિલી અને બાળક માટે ઇચ્છા રાખી છે. મને લાગે છે કે બાળક દત્તક લેવું એ એવો રસ્તો છે, જેમાં હું મારું સપનું પૂરુ કરી શકુ છું. આ મુદ્દે હું નસીબદાર છું કે, આપણા દેશમાં સિંગલ વુમનને બાળક દત્તક લેવાની મંજુરી છે. મેં આ દરમિયાન અનેક કપલ્સની મુલાકાત લીધી છે જેમણે બાળક દત્તક લીધું હોય. આ સાથે કેટલાક એવા બાળકોને મળી છું જેઓ એડલ્ટ બની ચૂક્યા છે.

સ્વરાએ આ મુદ્દે પૂર્ણ માહિતી મેળવ્યા પછી બાળક દત્તક લેવા અંગે પોતાના માતા-પિતા સાથે વાત કરી હતી. સ્વરાના નિર્ણયને એના માતા-પિતા પણ સમર્થન આપી રહ્યા છે. સ્વરાનું કહેવુ છે કે, મેં CARA દ્વારા બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરું કરી છે. આ લાંબી પ્રક્રિયા છે અને શક્ય છે કે આ માટે 3 વર્ષનો સમય પણ લાગી જાય, પરંતુ હું બાળકની મા બનવા માટે રાહ જોઇ શકતી નથી.


સ્વરાના ફિલ્મી પ્રોજેક્ટની વાત કરીએ તો હવે તે શોર્ટ ફિલ્મ શીર કોરમામાં જોવા મળશે. આ શોર્ટ ફિલ્મમાં સ્વરા ભાસ્કર એક લેસ્બિયન યુવતીનો કિરદાર નિભાવી રહી છે. આ ફિલ્મમાં સ્વરા સાથે દિવ્યા દત્તા અને શબાના આઝમી પણ જોવા મળશે. શીર કોરમાને ફરાજ આરિફ અંસારીએ ડાયરેક્ટ કરી છે.

Share This :

Related Articles

Leave a Comment