ઇન્ડિયા / દેશના આ શહેરમાં પેટ્રોલ-ડીઝલથી પણ મોંઘો થયો CNG,હાલનો ભાવ છે 120 રુપિયા!

  • 09-Mar-2022 08:33 AM

 પેટ્રોલની કિંમતોમાં જોરદાર વધારો થતાં લોકો પોતાની કારને સીએનજીમાં કન્વર્ટ કરાવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્રના એક શહેરમાં સીએનજીના ભાવે નવો જ રેકોર્ડ બનાવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીના હોમટાઉનમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો 120 રુપિયા સુધી પહોંચી ગઈ છે, જે પેટ્રોલ અને ડીઝલ બંને કરતાં વધારે છે. 07 માર્ચના રોજ નાગપુરમાં સીએનજીનો ભાવ 120 રુપિયા હતો, જ્યારે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે 109 અને 92 રુપિયા પ્રતિ લિટર હતાં.

સીએનજીની કિંમત આસમાને હોવા ઉપરાંત, નાગપુરમાં તેની ભયાનક અછત પણ પ્રવર્તી રહી છે. અહીંના બે ગેસ સ્ટેશન પર સીએનજીનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી. નાગપુરમાં સીએનજી પંપ ઓપરેટ કરવાનું કામ રૉમેટ ઈન્ડસ્ટ્રીઝ કરે છે, કંપનીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં LNGની કિંમત વધતા ઘરઆંગણે સીએનજીની કિંમત વધી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, હરિયાણા સ્થિત એક કંપનીને નાગપુરમાં સીએનજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી થોડા દિવસમાં જ સીએનજીની કિંમત 70-80 રુપિયા સુધી આવી જશે.

 સૂત્રોનું માનીએ તો રૉમેટ ગુજરાતના દહેજ બંદરેથી એલએનજીનો જથ્થો નાગપુર લાવે છે અને ત્યારબાદ તેને સીએનજીમાં કન્વર્ટ કરે છે. જોકે, હાલ સર્જાયેલી વૈશ્વિક સ્થિતિને કારણે LNGનો સપ્લાય અટવાયો છે, અને તેના કારણે તેની કિંમતમાં ઉછાળો આવ્યો છે. સપ્લાય અટવાઈ જતાં નાગપુરમાં સીએનજીનો પુરવઠો અનિયમિત થઈ ગયો છે. શહેરમાં ચાલતી બસો પણ તેના કારણે બંધ પડી છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રિય મંત્રી ગડકરીના આગ્રહ પર જ નાગપુરમાં દોડતી 70 જેટલી ડીઝલ બસોને સીએનજીમાં કન્વર્ટ કરવામાં આવી હતી.

પોતાની કારને સીએનજીમાં કન્વર્ટ કરાવનારા આનંદ મોડના જણાવ્યા અનુસાર, નાગપુરમાં સીએનજીનો સપ્લાય તો અનિયમિત છે જ, પરંતુ તેની સાથે કિંમત પણ ખૂબ જ ઉંચી છે અને સીએનજી પેટ્રોલ અને ડીઝલથી પણ મોંઘો વેચાય છે. બીજી તરફ, અન્ય શહેરોમાં સીએનજીની કિંમત ઘણી ઓછી છે.

નાગપુરમાં સીએનજી રિક્ષા ચલાવતા લોકોની પણ આવી જ હાલત છે. મોટાભાગના રિક્ષાચાલકો રિક્ષાને પેટ્રોલમાંથી સીએનજીમાં કન્વર્ટ કરાવી ચૂક્યા છે. જોકે, સીએનજીના સતત વધતા ભાવોને કારણે તેઓ પરેશાન છે. વર્ષ 2020માં પોતાની રિક્ષાને સીએનજી કરાવનારા રિક્ષાચાલક જમશેદ શેખ જણાવે છે કે, પેટ્રોલ પોસાતું ના હોવાથી તેમણે રિક્ષા સીએનજી કરાવી હતી, પરંતુ હવે તેમને લાગે છે કે તે તેમની ભૂલ હતી. હવે સીએનજી એટલો મોંઘો પડે છે કે રિક્ષા ચલાવવામાં ખાસ કમાણી જ નથી રહી.

Share This :

Related Articles

Leave a Comment