બોલીવુડ / મૂવી રિવ્યૂ: બંટી ઔર બબલી 2

  • 26-Nov-2021 10:42 AM

એક્ટર- સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી, શર્વરી વાઘ, પંકજ ત્રિપાઠી.
ડાયરેક્ટર- વરુણ વી. શર્મા
શ્રેણી- હિન્દી, કોમેડી
સમય- 2 કલાક 25 મિનિટ
રેટિંગ- 2.5/5

છેલ્લા થોડા દિવસોથી ફિલ્મ 'બંટી ઔર બબલી 2'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ 2005માં આવેલી ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સીક્વલ છે. જોકે, આ વખતે ફિલ્મમાં અભિષેક બચ્ચનના સ્થાને સૈફ અલી ખાન અને અમિતાભ બચ્ચનના સ્થાને પંકજ ત્રિપાઠી છે. સાથે જ સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ બંટી-બબલી બનીને લોકોને ચૂનો ચોપડે છે.

વાર્તા

ટ્રેલર જોઈને જ ખબર પડી જાય છે કે, આ વખતે પણ બંટી-બબલીની જોડી લોકો સાથે છેતરપિંડી કરે છે. પરંતુ આ જોડી આ વખતે કુણાલ (સિદ્ધાંત ચતુર્વેદી) અને સોનિયા (શર્વરી વાઘ)ની છે. બંટી અને બબલી બનીને અગાઉ લોકોને ઠગતાં રાકેશ (સૈફ અલી ખાન) અને વિમ્મી ત્રિવેદી (રાની મુખર્જી)એ 15 વર્ષ પહેલા જ આ ગોરખધંધો છોડી દીધો હતો. હવે તેઓ ફુરસતગંજમાં સાદગીથી જીવન જીવે છે. રાકેશ રેલવેમાં ટિકિટ કલેક્ટર છે જ્યારે વિમ્મી ગૃહિણી છે. એક દિવસ બંનેને ખબર પડે છે કે, બંટી-બબલીનું નામ વાપરીને કોઈ લોકોને છેતરી રહ્યું છે. આ ઠગ જોડી એન્જિનિયરિંગ પાસ કરનાર કુણાલ અને સોનિયા છે. નવા બંટી અને બબલીને પકડવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર જટાયુ સિંહ (પંકજ ત્રિપાઠી) જૂના બંટી અને બબલીની મદદ લે છે. નવા બંટી અને બબલી સુધી આ લોકો કેવી રીતે પહોંચશે તે જ આ ફિલ્મની વાર્તા છે.


રિવ્યૂ

જૂની 'બંટી ઔર બબલી'ની પોપ્યુલારિટીને સહારે આ ફિલ્મને સફળતા અપાવાની કોશિશ કરવામાં આવી છે. પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી રહેલા વરુણ વી શર્મા ફિલ્મની વાર્તાને આગળ ધપાવાનાં લથડિયા ખાઈ જાય છે. ફિલ્મમાં સિદ્ધાંત અને શર્વરીની જોડી લોકોને છેતરવા માટે રસપ્રદ ટ્રીક અપનાવતી જોવા મળે છે પરંતુ આખી ફિલ્મ બાલિશ લાગે છે. ફિલ્મનો પહેલો હાફ ફિલ્મનો બેઝ બનાવામાં નીકળી જાય છે. જ્યારે બીજા હાફમાં ફિલ્મનો પ્લોટ તૈયાર થઈ જાય છે પરંતુ વાર્તા અને સ્ક્રીપ્લેન લોજીક વિનાના લાગે છે.

એક્ટિંગ

ફિલ્મમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી અને પંકજ ત્રિપાઠી ત્રણેય દમદાર કલાકારો છે. સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ પણ પ્રોમિસિંગ લાગે છે. પરંતુ ઢીલી વાર્તા અને ખરાબ સ્ક્રિપ્ટે બધાની એક્ટિંગને બેકાર બનાવી છે. રાની મુખર્જી અને સૈફ અલી ખાનની જોડી જામે છે અને તેમણે મિડલ એજના પતિ-પત્નીના રોલમાં પ્રાણ ફૂંક્યા છે. સિદ્ધાંતે ખૂબ મહેનતથી પોતાનું પાત્ર ભજવ્યું છે ત્યારે શર્વરી પહેલી જ ફિલ્મમાં આત્મવિશ્વાસથી છલોછલ જોવા મળે છે. બંનેની જોડી સારી છે અને તેમણે પાત્રમાં જીવ રેડી દીધો છે પરંતુ દર્શકો તેની સાથે જોડાઈ નથી શકતાં. પંકજ ત્રિપાઠીનો કોમિક ટાઈમિંગ કમાલનો છે અને તે પોતાના ગામઠી અંદાજમાં જટાયુ સિંહનો રોલ સારી રીતે ભજવતાં જોવા મળે છે.

Share This :

Related Articles

Leave a Comment