રાજકારણ / મુખ્યમંત્રી પાસે 1 કરોડ રૂપિયા માંગવાનો મામલો, મહંત બટુક મોરારીની અટકાયત.

  • 27-Nov-2021 08:32 AM

 

બનાસકાંઠાના વાવના મહંત બટુક મોરારીનો એક વિડીયો ગરુવારે વાયરલ થયો હતો. જેમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતા એક કરોડ રૂપિયાની દક્ષિણા માગી હતી. આ મહંતની બનાસકાંઠા પોલીસે રાજસ્થાનથી અટકાય કરી લીધી છે.

ગુરુવારે સોશિયલ મીડિયા પર મહંત બટુક મોરારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયાની દક્ષિણા મોકલવા કહ્યું હતું. વિડીયોમાં તેમણે એવી ધમકી આપી હતી કે, જો 11 દિવસમાં તેમને 1 કરોડ રૂપિયાની દક્ષિણા નહીં મળે તો ગુજરાતમાં પટેલનું રાજ નહીં રહે. આ ઉપરાંત તેમણે એવી પણ ધમકી આપી હતી કે, મુખ્યમંત્રીનો અકસ્માત થઈ જશે. આ વિડીયો વાયરલ થયા પછી બનાસકાઠા પોલીસ હરકતમાં આવી હતી અને શુક્રવારે બનાસકાંઠાની ક્રાઈમ બ્રાન્ચે મહંત બટુક મોરારીની રાજસ્થાનના રેવધર ગામેથી અટકાયત કરી હતી.

બનાસકાંઠાના ઈન-ચાર્જ એસપી પૂજા યાદવે જણાવ્યું કે, 'મોરારીની લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના રેવધર ગામેથી અટકાયત કરી છે.' યાદવે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, તેને જિલ્લા હેડક્વાર્ટર પાલનપુર લવાયા છે અને પૂછપરછ પછી તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

મુખ્યમંત્રીને આ ધમકી આપી હતી
બટુક મોરારીએ વિડીયો વાયરલ કરીને ધમકી આપી હતી કે, '11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉં. મુખ્યમંત્રીને ધમકી આપત કહ્યું હતું કે, તમે પણ અકસ્માતમાં માર્યા જશો. તમને ગાદીએ બેસાડ્યા એટલે એક કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ. એક રૂપિયો ઓછો નહીં. આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલીને મને 1 કરોડ રૂપિયા મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોની રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલુ છું, મહેશ ભગત.'

મહત્વનું છે કે, બટુક મોરારીએ એકદમ તોછડી ભાષામાં રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આ ધમકી આપી હતી. વિડીયોમાં તેઓએ જણાવ્યું હતું કે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામકથાકાર હટુક મોરારી બોલી રહ્યો છું. વાવ-બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી. તેમણે પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પણ સક્રિય બની હતી. પોલીસે વિડીયો વાયરલ કરનારા બટુક મોરારીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ ગણતરીના જ કલાકોમાં બટુક મોરારીની અટકાયત કરવામાં આવી હતી. હવે, પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This :

Related Articles

Leave a Comment