બિઝનેસ / Gold Price News: સોનાના ભાવ નરમ નહીં પડે, આ 4 કારણોથી સોનું હજુ વધશે.

  • 19-Apr-2022 09:46 AM

સોનાના ભાવમાં છેલ્લા બે અઠવાડિયાથી વધારો થઈ રહ્યો છે. MCX પર જૂન એક્સપાયરી માટે સોનાનો ભાવ રૂ. 53,000ની આસપાસ છે. નિષ્ણાતો જણાવે છે કે સોનાના હાજર ભાવમાં 1,970 ડોલરની આસપાસ ફ્રેશ બ્રેકઆઉટ છે અને નજીકના ગાળામાં તે 2020 ડોલર સુધી જઈ શકે છે. વિશ્વભરમાં ફુગાવો વધી રહ્યો છે અને લગ્નની સિઝન આવી ગઈ છે તેથી સોનાની માંગમાં વધારો થવાની શક્યતા છે.

આગામી અઠવાડિયાઓમાં સોનાના ભાવ પર અસર કરે તેવા ઘણા ટ્રિગર સક્રિય થવાના છે. તેમાંથી સૌથી પહેલા તો ક્રૂડ ઓઈલના ભાવ પર નજર રહેશે. ક્રૂડનો ભાવ વધશે તો ફુગાવાનું દબાણ પણ વધશે અને તેના કારણે સોનાના ભાવને ટેકો મળશે. બીજું, યુક્રેનમાં કટોકટી કઈ દિશામાં જાય છે તે પણ સોનાના ભાવ પર અસર કરશે. રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે શાંતિ સ્થપાશે તેમ માનવામાં આવતું હતું પરંતુ હવે લાગે છે કે યુદ્ધનો ઝડપથી અંત નહીં આવે.

આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ પણ ગોલ્ડની દિશાને અસર કરશે. ચીનમાં પ્રથમ ક્વાર્ટરના GDPના આંકડા જાહેર થવાના છે અને ગ્લોબલ ઇકોનોમી અંગે ફેડની સ્પીચ આવશે. તેના પર બજારની નજર રહેશે.

હાલમાં અમેરિકામાં ફુગાવો 40 વર્ષની ટોચ પર છે. તેવામાં ક્રૂડ ઓઈલના ભાવ વધે તો સમગ્ર ગ્લોબલ ઇકોનોમી પર દબાણ વધશે. તેથી ક્રૂડ મોંઘું થાય તો સ્થાનિક બજારમાં અને વિદેશમાં સોનાના ભાવ વધી જશે. રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતના કોઈ સારા પરિણામ નથી મળી રહ્યા. તેથી આ અંગે કોઈ પણ નેગેટિવ સમાચાર આવશે તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળશે. તેથી ગોલ્ડના ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સને સલાહ છે કે તેઓ યુક્રેન યુદ્ધ પર નજર રાખે.

આ ઉપરાંત ભારતમાં લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. તેના કારણે ફિજિકલ સોનાની માંગમાં વધારો થશે. કોમોડિટી માર્કેટના એક્સપર્ટ્સે જણાવ્યા પ્રમાણે આ એક પરિબળ એકલા હાથે સોનાના ભાવને ઉંચકી શકે છે. લગ્નની સિઝન, વૈશ્વિક ફુગાવો, ક્રૂડના ભાવ વગેરે સાથે મળીને સોનામાં તેજી લાવતા રહેશે.

ગયા સપ્તાહમાં અમેરિકામાં ફુગાવાના આંકડા નિરાશાજનક રહ્યા હતા. ત્યાર બાદ આખી દુનિયાની નજર અમેરિકાના ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનના આંકડા પર છે કારણ કે તેના પરથી ખબર પડશે કે અમેરિકન અર્થતંત્ર કેવી સ્થિતિમાં છે. અમેરિકન ઇકોનોમી નબળી પડી હોવાના કોઈ સંકેત જોવા મળશે તો પીળી ધાતુની માંગ વધી જશે.

Share This :

Related Articles

Leave a Comment