ઇન્ડિયા / જોધપુરમાં મહિલાને પૂર્વ પતિએ જાહેરમાં છરીના ઘા ઝીંક્યા .

  • 21-Apr-2022 09:30 AM

શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના જોધપુર ગામમાંથી (Ahmedabad Crime) સામે આવ્યો છે. જોધપુર ગામમાં મંગળવારે રાત્રે પૂર્વ પતિએ મહિલાને જાહેરમાં જ છરીના ઘા મારી (Ex husband stabbed woman) ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવતા આરોપી પૂર્વ પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવી હતી. છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિ મહિલા સાથે ફરીથી પોતાનું ઘર વસાવવા માંગતો હતો. મહિલાએ આ વાતનો ઈનકાર કર્યો હતો. જે બાદ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ હત્યાના પ્રયાસને અંજામ આપ્યો હતો. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મલાવ તળાવ પાસે રહેતી અને જોધપુર ગામમાં આવેલી એક દુકાનમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી મહિલા સાથે આ ઘટના બની છે. આ મહિલાના લગ્ન જાન્યુઆરી 2022માં આકાશ ઠાકોર સાથે થયા હતા. લગ્નના થોડા જ સમય બાદ પતિ આકાશ ઠાકોર દ્વારા મહિલા પર અત્યાચાર કરવામાં આવતો હતો. એટલે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. પણ આ વાત આટલેથી અટકી નહીં. છૂટાછેડા બાદ પણ આરોપી આકાશ ઠાકોર તેની પૂર્વ પત્નીનો પીછો છોડતો નહોતો. મહિલાનો પૂર્વ પતિ તેને વારંવાર ફોન કરતો હતો અને ધમકી પણ આપતો હતો. પૂર્વ પતિના આ ત્રાસ બાદ મહિલાએ પોતાનો ફોન નંબર પણ બદલી નાખ્યો હતો.

એ પછી પીડિત મહિલા જ્યાં નોકરી કરતી હતી એ વાતની જાણ આરોપી પૂર્વ પતિ આકાશ ઠાકોરને થઈ હતી. એટલે આકાશ મહિલાના નોકરીના સ્થળે જઈ ચડ્યો હતો. અહીં આવ્યા બાદ પૂર્વ પતિ આકાશ ઠાકોરે જાહેરમાં જ મહિલાને છરીના ઘા ઝીંકી દીધા હતા. મહિલા પર આ જીવલેણ હુમલો કર્યા બાદ સ્થાનિકો આવી જતા પૂર્વ પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ ICUમાં તે સારવાર હેઠળ છે. હાલ મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે હત્યાના પ્રયાસના મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઘટના સ્થળ સહિત અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Share This :

Related Articles

Leave a Comment