બિઝનેસ / IPO News: રૂપિયા તૈયાર રાખજો, આવતા મહિને ઓપન થઈ શકે છે LICનો IPO.

  • 26-Apr-2022 09:55 AM

ભારતીય જીવન વિમા નિગમ (LIC)નો આઈપીઓ (IPO) મે મહિનાના પહેલા સપ્તાહમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, એલઆઈસીનો આઈપીઓ 4 મેએ ખુલશે અને 9 મેએ બંધ થશે. એલઆઈસીના આઈપીઓની રોકાણકારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને હવે તેમનો આતુરતાનો અંત આવવાનો છે. એલઆઈસીના આઈપીઓની પ્રાઈસ બેન્ડ શું હશે, તેની જાણકારી હજુ સામે આવી નથી.

રિપોર્ટ્સ મુજબ, સરકાર એક કે બે દિવસમાં આ આઈપીઓની પ્રાઈસ બેન્ડ સહિતની વિગતો જાહેર કરે તેવી શક્યતા છે. આ આઈપીઓનો આકાર 21,000 કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ છે. સૂત્રો મુજબ, એલઆઈસીનો આઈપીઓ રોકાણકારો 9 મે સુધી ભરી શકશે. એન્કર રોકાણકારો માટે આઈપીઓ 2 મેએ ખુલશે. ઉલ્લેખનીય છે કે, સરકારે સેબી (SEBI)માં તાજેતરમાં જ આઈપીઓ માટે સંશોધિત ડીઆરએચપી જમા કરાવ્યો છે.

ભારત સરકાર એલઆઈસીના આ આઈપીઓમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચશે. પહેલા સરકાર 5 ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી હતી, પરંતુ હવે એવું નક્કી કરાયું છે કે, એલઆઈસીની 3.5 ટકા ભાગીદારી જ વેચાવમાં આવશે. સરકારે એલઆઈસીની વેલ્યુએશન અને વેચવામાં આવનારી ભાગીદારીને એ કારણે રિવાઈઝ કરી છે કે ગત દિવસોમાં બજારમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. રોકાણકારો તરફથી ઓછા રિસ્પોન્સની આશંકાને પગલે વેચવામાં આવનારી ભાગીદારીને ઘટાડવામાં આવી છે.

જો આપણે એલઆઈસીના છ લાખ કરોડ રૂપિયાના બજાર કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ જોઈએ તો આ ઈશ્યૂની સાઈઝ 21,000 કરોડની હશે. જોકે, સરકાર દ્વારા જાણકારી બહાર પડાયા પછી જ તેના પર સ્પષ્ટતા થશે. એલઆઈસી ભારતની સૌથી મોટી પબ્લિક સેક્ટર ઈન્શ્યોરન્સ કંપની છે. સરકાર પાસે તેની 100 ટકા ભાગીદારી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા સુધી કંપનીની વેલ્યુએશન 12 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી, જે હવે ઘટીને અડધી થઈ ગઈ છે. એવામાં જો 6 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન પર પણ 3.5 ટકા ભાગીદરી વેચવાની વાત કરીએ તો સરકાર તેનાથી લગભગ 21 હજાર કરોડ રૂપિયા કમાશે.

એલઆઈસીનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા પેટીએમનો આઈપીઓ (Paytm IPO) સૌથી મોટો હતો, જે લગભગ 18,300 કરોડ રૂપિયાનો હતો. તે ઉપરાંત દેશના સૌથી મોટા આઈપીઓમાં કોલ ઈન્ડિયા (15,500 કરોડ રૂપિયા) અને રિલાયન્સ પાવર (11,700 કરોડ રૂપિયા) પણ સામેલ છે.
 

Share This :

Related Articles

Leave a Comment