બિઝનેસ / હોમ લોન લીધી હોય તો પ્રીપેમેન્ટનું આ ગણિત સમજી લેજો, ફાયદામાં રહેશો.

  • 26-Apr-2022 10:02 AM

હોમ લોન વહેલી પૂરી કરી દેવી સારી બાબત છે. મોટાભાગના લોન આપનારા તમને આ વાત નહીં કહે, કેમકે તમે જે વ્યાજ ચૂકવો છો તેમાંથી તેમને કમાણી થાય છે. નાના અને રેગ્યુલર પ્રીપેમેન્ટ કરી વહેલી લોન પૂરી કરી દેવી એ રૂપિયા બચાવવાનો સ્માર્ટ રસ્તો છે.

જ્યારે તમે બેંક કે નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFC)માંથી લોન લો છો, ત્યારે તમારે તે સરળ માસિક હપ્તાઓ (EMIs)માં ચૂકવવાની હોય છે. બેંકો આ હપ્તાઓ તમારા બેંક અકાઉન્ટમાંથી નિશ્ચિત તારીખે કાપી લે છે અને તમારે તેના માટે બેંક અકાઉન્ટમાં પુરતું બેલેન્સ રાખવું જરૂરી છે.

ઈએમઆઈમાં બે ભાગ હોય છે, મુદ્દલ અને વ્યાજ. ઉદાહરણ જોઈએ તો, જો તમારી હોમ લોનનો ઈએમઆઈ 10,000 રૂપિયાનો આવતો હોય તો, તેમાંથી એક ભાગ લોનની રકમના વ્યાજની ચૂકવણીમાં જાય છે અને બાકી બચતો ભાગ તમારી લોનની મૂળ રકમને ઘટાડે છે. આ સમીકરણ સમયાંતરે બદલાય છે.

રસપ્રદ બાબત એ છે કે, લોનના શરૂઆતના વર્ષોમાં વ્યાજની રકમ વધારે હોય છે. જેમ-જેમ લોન પૂરી થવા આવે તેમ વ્યાજની રકમમાં ઘટાડો થાય છે.

પ્રીપેમેન્ટ્સ કઈ રીતે મદદ કરે છે?
જ્યારે-જ્યારે તમે લોનની થોડી-ઘણું પ્રીપેમેન્ટ કરો છો, તે સીધે-સીધી તમારી લોનની બાકી રહેલી રકમ ઘટાડે છે. તે મહત્વપૂર્ણ છે. નાની કે મોટી રકમ મદદ કરે છે. એનો અર્થ છે કે, તે પછીના મહિનાનું વ્યાજ બાકી રહેલી લોનની રકમ પર ગણાશે, જેના કારણે બે ફાયદા થશે. એક કે તે પછીના ઈએમઆઈ પર વ્યાજની રકમ ઘટશે અને બીજું કે તેમાં પ્રિન્સિપલ પાર્ટ વધશે.

જે બાકી રહેલા લોનના હપ્તાઓ પર નોંધપાત્ર રીતે વ્યાજ ઘટાડવામાં મદદરૂપ થશે અને મૂળ રકમ ઝડપથી ભરી શકાશે. તમે જે પ્રીપેમેન્ટ કરશો તેનો આખરે લાભ એ થશે કે તમે ધાર્યા કરતા વહેલી હોમ લોન પૂરી કરી શકશો.

એટલે પ્રીપેમેન્ટસ ખરેખર એક સારો ઉપાય છે, પરંતુ ઘણી વખત ગ્રાહકો તે અંગે જાગૃત નથી હોતા કે તેમ કરવાનું ભૂલી જાય છે. જેથી નિયમિત માઈક્રો પ્રીપેમેન્ટ્સ કે જે તમારા અકાઉન્ટમાંથી આપોઆપ ડેબિટ થઈ જાય તેવી વ્યવસ્થા એક સારો વિકલ્પ છે.

આ ઉદાહરણ પરથી સરળતાથી સમજી શકાશે કે પ્રીપેમેન્ટ કઈ રીતે મદદરૂપ થાય છે
ધારો કે તમે 20 લાખની હોમ લોન 20 વર્ષ માટે 7.5 ટકાના વ્યાજે લીધી છે.

કેસ 1: તમારો માસિક હપ્તો 16,111 રૂપિયાનો આવશે. 20 વર્ષે તમે 38.7 લાખ રૂપિયા ચૂકવશો, એટલે કે 20 લાખની લોન પર તમે લગભગ 18.7 લાખ રૂપિયા વ્યાજ ચૂકવશો. આ રકમ ઘણી વધારે છે.

કેસ 2: માસિક રૂપિયા 1,000નું પ્રીપેમેન્ટ કરવાથી તમે રૂ. 2.66 લાખ રૂપિયા તમારા વ્યાજ પર બચાવી શકશો. જે 29 ઈએમઆઈની બરાબર છે. જે બે વર્ષ પહેલા દેવા મુક્ત થવા જેવું છે અને તે પણ દર મહિને માત્ર 1,000 રૂપિયા બાજુએ મૂકીને. પ્રીપેમેન્ટ, ખાસ કરીને નિયમિત પ્રીપેમેન્ટ કોઈપણ લોન ધારક માટે એક સુપરપાવર છે.

યાદ રાખવા જેવી બાબતો
હોમ લોનનું પ્રીપેમેન્ટ કરતા પહેલા લોન ધારકે બે બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ.

એક તો પ્રીપેમેન્ટનો ચાર્જ. જો તમે ફ્લોટિંગ રેટ લોન લીધી છે, તો નાણાકીય સંસ્થાઓ પ્રીપેમેન્ટનો ચાર્જ નહીં લે. પરંતુ. જો તમે ફિક્સ-રેટ લોન લીધી હશે તો પ્રીપેમેન્ટ પર ચાર્જ લાગશે. એટલે આ બાબત ધ્યાનમાં રાખજો. બીજું કે, તમારે જે વધારે વ્યાજવાળી લોન હોય તે પહેલા પૂરી કરવી જોઈએ.

જેમકે, જો તમે હોમ લોન ઉપરાંત પર્સનલ લોન કે કારની લોન લીધી હોય તો પહેલા તેમાંથી જેનું વ્યાજ વધારે હોય તે લોન પૂરી કરવી જોઈએ.

હોમ લોન એ લાંબા ગાળાનું કમિટમેન્ટ છે. જ્યારે તમે હોમ લેવાનું વિચારો ત્યારે બેંકની પસંદગી વિચારીને કરવી. પ્રીપેમેન્ટ્સ અને હોમ લોન સાથેની પોલિસીઝ અંગે જાણી લેવું. તમે પ્રીપેમેન્ટ્સ અન્ય કામોની જેમ ફોનથી કરી શકો તેની પણ ખાતરી કરી લેવી.

Share This :

Related Articles

Leave a Comment