મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત સામે રમાઈ રહેલી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદના પ્લેયર શશાંક મનોહર માટે ખુબ જ ખાસ હતી. ગુજરાત સામેની મેચથી શશાંક મનોહરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે, અને આજે તે પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. આઈપીએલના ઓક્શનમાં અનકેપ્ડ રહેલાં ખેલાડી શશાંક સિંહે આજની મેચમાં તરખાટ મચાવી દીધો હતો. તે બેટિંગ કરવા માટે સાતમા ક્રમે મેદાનમાં ઉતર્યો હતો અને તેના ભાગે છેલ્લી 20મી ઓવર જ આવી હતી. અને આ ઓવર પણ જેવાં તેવાં બોલર્સ નહીં, પણ બોલિંગની દુનિયામાં જેનું એક નામ છે, તેવો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન આ ઓવર ફેંકી રહ્યો હતો. પણ શશાંક સિંહે લોકી ફર્ગ્યુસનની ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ ફટકારી તરખાટ મચાવી દીધો હતો. અને બાદમાં સોશિયલ મીડિયામાં શશાંક સિંહ ટ્રેન્ડ થવા લાગ્યો હતો અને શશાંક સિંહ કોણ છે તેને જાણવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ક્રિકેટર યુવરાજ સિંહે પણ ટ્વીટ કરીને શશાંકના વખાણ કર્યા હતા અને તેણે પણ પુછ્યું હતું કે, આખરે આ શશાંક કોણ છે. તો અમે તમને જણાવીશું આખરે એક ઓવરથી ચર્ચામાં આવનાર આ શશાંક સિંહ આખરે છે કોણ. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન શશાંક સિંહે લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 6 બોલમાં (4,2,1,6,6,6) 25 રન ફટકારી દીધા હતા. આ સમયે તેની સ્ટ્રાઈક રેટ 416.66ની રહી હતી. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ભારતીય બેટ્સમેનની આ સૌથી વધારે સ્ટ્રાઈક રેટ હતી. તેણે આ મામલે બાલચંદ્ર અખિલ અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા હતા. 416.66 – શશાંક સિંહ vs GT, 2022 385.71 – બાલચંદ્ર અખિલ vs DC, 2008 357.14 – વિરાટ કોહલી vs RR, 2019
શશાંક એક ઓલરાઉન્ડર છે. આજની મેચમાં સાબિત થઈ ગયું કે, તે વિસ્ફોટક બેટિંગ કરી શકે છે, પણ સાથે-સાથે તે ઓફ બ્રેક બોલિંગ પણ કરે છે. શશાંકને પહેલીવાર દિલ્હીની ટીમે પસંદ કર્યો હતો. પણ 2019માં રાજસ્થાનની ટીમે તેને સિલેક્ટ કરી દીધો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલાં આઈપીએલ ઓક્શનમાં સનરાઈઝર્સે શશાંકને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
શશાંક છત્તીસગઢ માટે રમે છે અને લિસ્ટ એ મેચમાં તેણે ડિસેમ્બર 2015માં તેણે વિજય હઝારે ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ 2017માં દિલ્હી ડેરડેવિલ્સની ટીમે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9 મેચોમાં 43.60ની એવરેજથી 436 રન બનાવ્યા છે, જ્યારે ચાર વિકેટ પણ ઝડપી છે. જ્યારે ટી20 કરિયરની વાત કરીએ તો, તેણે 37 મેચોમાં 424 રન બનાવ્યા છે અને 10 વિકેટ ઝડપી છે.
સ્વતંત્ર સમાચાર