વર્લ્ડ / ચીનમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોના પગલે 27 શહેરોમાં લૉકડાઉન!

  • 29-Apr-2022 10:52 AM

ચીનમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતાં ત્યાંની સરકારે ઝીરો કોવિડ પોલિસીને ધ્યાનમાં રાખતા મોટા શહેરોમાં લૉકડાઉન લાગુ કર્યું છે. રિપોર્ટ મુજબ, ચીનના 27 શહેરોમાં અત્યારે લોકડાઉન છે અને આ શહેરોમાં રહેતા કુલ 16.5 કરોડ લોકો અત્યારે પોતાના ઘરોમાં કેદ છે. ચીનના મોટા શહેર બેઈજિંગમાં પણ મોટાપાયે લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

પોતાની ઝીરો કોવિડ પોલિસીને ધ્યાનમાં રાખતા ચીને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉન, મોટાપાયે ટેસ્ટિંગ, ક્વોરન્ટિન અને સરહદ બંધ કરવા જેવા કડક નિર્ણય લીધા છે. ચીનમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધી રહ્યા છે. હાલ કોરોના વાયરસ ચીનના અલગ-અલગ પ્રાંત અને શહેરોમાં ફેલાઈ રહ્યો છે.

એક ઈન્ટરનેશનલ રિપોર્ટ મુજબ, ચીને તેના 27 શહેરોમાં પૂર્ણ અથવા આંશિક લૉકડાઉન લગાવ્યું છે. તેવામાં કુલ 16.5 કરોડ લોકો આ પ્રતિબંધનો ભોગ બન્યા છે. તેઓને ઘરમાંથી બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી. ત્યાંના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્રિત કરવાની તક મળી રહી નથી. તેવામાં કોરોનાના એકથી બે કેસ સામે આવ્યા પછી પણ લોકો લોકડાઉનના ડરથી ખરીદી કરી રહ્યા છે. જેથી ચીનના શહેરોમાં ફૂડ અને અન્ય જરૂરી સામાનની અછત સર્જાઈ છે.

બેઈજિંગના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, જો ખરાબ સ્થિતિ સર્જાય તો તેની હું તૈયારી કરી રહ્યો છું. મેં ઘણાં પેકેટ્સ નાસ્તો ખરીદી રાખ્યો છે. લોકોએ શાકભાજી, નૂડલ્સ અને ટોઈલેટ પેપર રોલની ઓનલાઈન ખરીદી કરી છે. બેઈજિંગની મોટાભાગની દુકાનો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. જ્યાં દુકાનોમાં ચીજવસ્તુઓ મળી રહી છે તેમાં પણ કિંમતો વધારે જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ ચીનના સરકારી મીડિયાએ એ પ્રકારે દાવો કર્યો છે કે બેઈજિંગમાં આવેલા સુપરમાર્કેટમાં બમણો સ્ટોક ઉપલબ્ધ છે. કરિયાણાનો સામાન વેચતી ઈ-કોમર્સ સાઈટે પણ ડિમાન્ડને ધ્યાનમાં રાખતા પોતાના કર્મચારીઓની સંખ્યા વધારી દીધી છે.

અગાઉ એ પ્રકારે પણ સમાચાર જાણવા મળ્યા હતા કે શાંઘાઈમાં ભૂખથી કંટાળેલા લોકો પોતાના ઘરના ધાબા પર, ગેલેરીમાં અને બારીમાં ઊભા-ઊભા પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ, તેઓને ડ્રોન દ્વારા નિયમોનું પાલન કરવા માટેની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે ભૂખથી કંટાળેલા એક વ્યક્તિએ જાતે જ લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને પોલીસ પાસે જઈને પોતાની ધરપકડની માગ કરી. આ વ્યક્તિ પાસે જમવા માટે કશું નહોતું અને તેને એવી આશા હતી કે જેલમાં તેને જમવાનું મળશે.

Share This :

Related Articles

Leave a Comment