વર્લ્ડ / સ્ક્રીન સાફ કરવા Appleએ લોન્ચ કર્યું કપડું, કિંમત જાણી આંખો થઈ જશે પહોળી.

  • 27-Nov-2021 09:20 AM

એપ્પલ કંપની પોતાની ટેક્નોલોજીના કારણે જાણીતી છે અને તેની નવી પ્રોડક્ટની વિશ્વભરમાં લોકો રાહ જોતા હોય છે. જોકે, એપ્પલે સોમવારે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે અને છે પોલિશિંગ ક્લોથ (સ્ક્રીન સાફ કરવા માટેનું કપડું). જોકે, આ કપડાની કિંમત જાણીને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.

કંપનીએ એપ્પલ સ્ટોર પર લખ્યું છે કે, સોફ્ટ, નોન-એબ્રેસિવ મટિરિયલ. પરંતુ જો તમે આ કપડું ખરીદવા ઈચ્છો છો તો તે માટે તમારે 1900 રૂપિયા ખર્ચવા પડશે. એપ્પલનું કહેવું છે કે આ કપડાથી યુઝર્સ એપ્પલની પ્રોડક્ટને સુરક્ષિત અને અસરકારક રીતે સાફ કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ કપડાથી તેઓ આઈફોન, આઈપેડ અને મેકબુક સહિત એપ્પલની તમામ પ્રોડક્ટ્સ સાફ કરી શકાશે. પરંતુ તેની કિંમત જોઈને લોકોને ધ્રાસકો પડ્યો છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે આ કપડાની સરખામણી કરવામાં આવે તો એમેઝોન પર પ્રીમિયમ માઈક્રોફાઈબર કપડાની કિંમત 1.50 ડોલરની આસપાસ છે. જ્યારે એપ્પલનું આ કપડું અમેરિકામાં રિટેલમાં 19 ડોલરમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું છે.

જોકે, એપ્પલના ઉત્પાદનોની કિંમતને લઈને હંમેશા તેની ટીકા થતી રહે છે. તાજેતરમાં જ એપ્પલે તેના નવા એરપોડ ઈયરફોન્સ રજૂ કર્યા હતા જેની કિંમત અંદાજીત 17,000 જેટલી છે. જ્યારે મેકબુક પ્રો લેપટોપની નવી રેન્જ બજારમાં મૂકી છે જેની કિંમત 1.96 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

એપ્પલ પોતાની પ્રોડક્ટમાં અત્યાધુનિક ટેક્નોલોજી લાવે છે. વિશ્વમાં તેના કરોડો ચાહકો છે જે એપ્પલની પ્રોડક્ટની ચાતક નજરે રાહ જોતા હોય છે. જોકે, મોબાઈલથી લઈને લેપટોપ સુધીની તેની તમામ નવી પ્રોડક્ટની કિંમતને લઈને ઘણી ટીકાઓ થતી હોય છે અને સોશિયલ મીડિયા પર તેના વિશે જોક્સ પણ થતા હોય છે.

બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે આઈફોન 1,000 ડોલર કિંમત સુધી પહોંચનારો પ્રથમ સ્માર્ટફોન છે. જોકે, પોલિશિંગ ક્લોથની કિંમતને લઈને ભલે તેની ટીકાઓ થઈ રહી હોય પરંતુ પોતાના ફિચર્સ અને ટેક્નોલોજીને લઈને એપ્પલના લેપટોપ અને સ્માર્ટફોન્સને સામાન્ય રીતે સારા રીવ્યુ મળે છે.

Share This :

Related Articles

Leave a Comment