ગુજરાત / વલસાડનો પૈસાદાર ડીઝલ ચોર, મોંઘી કારની ટાંકી ફૂલ કરાવી બિલ ચૂકવ્યા વગર કાર ભગાવી દેતો.

  • 30-Apr-2022 10:09 AM

ભીલાડ પોલીસે પેટ્રોલ પંપ પર પોતાની કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ રુપિયા આપ્યા વગર ભાગી જતા એક નબીરાને પકડ્યો છે. મોંઘીદાટ કારમાં ફરતા આ નબીરાએ આ રીતે આઠ જેટલા પેટ્રોલ પંપના માલિકોને ચૂનો લગાવ્યો છે. વલસાડ જિલ્લના ફણસાનો રહેવાસી ધવલ જાડેજા મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર પણ આવી જ રીતે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પેટ્રોલ પંપ સંચાલકો અને પોલીસે પીછો કર્યો હતો. ત્યારે ભીલાડ પોલીસે આરોપીને નાકાબંધી કરીને દબોચી લીધો હતો.

મળતી વિગત મુજબ ઉમરગામ તાલુકાના ફણસા ચાર રસ્તા પર રહેતો 25 વર્ષીય નબીરો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સુખી અને સંપન્ન પરિવારમાંથી આવે છે. હરવા-ફરવા અને મોજશોખથી ટેવાયેલો ઘવલ મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે. ગાડીમાં ડીઝલ ભરાવવા માટે મોટાભાગે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ જઈ ટાંકી ફૂલ કરાવી રુપિયા ચૂકવ્યા વગર ફરાર થઈ જતો.

છેલ્લે ગત 21મી સપ્ટેમબરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે ભિલાડ નજીક નંદીગામ ખાતે મુંબઇથી વાપી તરફ આવતા નેશનલ હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડેવર કારમાં ડીઝલ ભરવા ગયો હતો. ફિલરમેનને બારકોડ સ્કેનરથી પેમેન્ટ કર્યું હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લઇ 58.77 લિટર ડીઝલ કિંમત રુ.5677.77નું ભરાવી ડિસ્પેનસરીમાંથી નોઝલ બહાર કાઢતાં રૂપિયા ચૂકવ્યા વિના વાપી તરફ કાર હંકારી મૂકી હતી.ફિલરમેન દ્વારા બૂમાબૂમ કરતાં પેટ્રોલ પંપનો સુપરવાઈઝર અને અન્ય ફિલર મેન આવે એ પહેલાં કારચાલક એન્ડેવર કાર લઈ રફુચક્કર થઈ ગયો હતો. કારચાલકનાં કરતૂત પેટ્રોલ પંપ પર લગાવેલાં સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. પાતળા બધાનો અને દાઢીવાળા કારચાલકે કારની પાછળની નંબર પ્લેટ કપડાંથી ઢાંકી દીધી હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું.

આ બનાવ અંગે પેટ્રોલ પંપના ફિલરમેને અજાણ્યા કારચાલક વિરુદ્ધ 25મી સપ્ટેમ્બરના રોજ ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરતાં ખાનગી બાતમીદાર અને વર્ણનના આધારે આ કારસ્તાન કરનાર કારચાલક ફણસાનો રહેવાસી ધવલસિંહ જાડેજા હોવાનું બહાર આવતાં તેની અટક કરી હતી. જે બાદ તેને ભિલાડ પોલીસ મથકમાં લઈ આવતાં જ કારચાલક ધવલે પોતાનાં કરતૂત પોલીસ સમક્ષ કબૂલી લીધાં હતાં. ધવલ જાડેજા પોતાની કબૂલાતમાં કહ્યું કે મોજશોખ માટે તે વલસાડ જિલ્લાના ઉદવાડા અને ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપોને આવી રીતે નિશાન બનાવતો હતો. આરોપીએ સ્વિકાર્યું હતું કે તે ભિલાડ વિસ્તારમાં ત્રણ, ઉદવાડા પારડી વિસ્તારમાં 3 અને તલાસરી-વસઈ વિસ્તારમાં 3 પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવી આવી રીતે ભાગી ગયો હતો.

Share This :

Related Articles

Leave a Comment