બોલીવુડ / દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને ICUમાં દાખલ કરાયા હતા, હવે કેવી છે તબિયત?

  • 02-May-2022 09:34 AM

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને લગભગ 4 દિવસ પહેલા ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ આઈસીયુમાં નથી અને ધીરે-ધીરે સાજા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્રનો દીકરો અને એક્ટર સની દેઓલ આજે મળવા માટે આવ્યો હતો. સની દેઓલે આજે ધર્મેન્દ્ર સાથે સમય પસાર કર્યો હતો. અમારા સહયોગી ઈટાઈમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેન્દ્રની તબિયત અત્યારે સારી છે પણ તેઓ થોડો સમય ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. ધર્મેન્દ્ર હજુ કદાચ થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે.

તારીખ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે. તેમના પિતા શિક્ષક હતા અને શિસ્તબદ્ધ હોવાને કારણે ધર્મેન્દ્રએ ક્યારેણ પણ પિતાને એવું જણાવ્યું નહોતું કે હું (ધર્મેન્દ્ર) એક્ટર બનવા માગું છું. ધર્મેન્દ્ર ધોરણ 8માં આવ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય પણ કોઈ ફિલ્મ જોઈ નહોતી, અને 9મા ધોરણમાં પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે જ તેમણે ફિલ્મ લાઈનમાં પ્રવેશવાનો નિર્ણય લીધો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર સૌપ્રથમ ઠાકુરનું પાત્ર ભજવવા માગતા હતા જે બાદમાં સંજીવ કુમારે ભજવ્યું. ધર્મેન્દ્રએ શોલેમાં વીરુનો રોલ કર્યો જે લોકોને આજે પણ યાદ છે. એક જમાનામાં ધર્મેન્દ્ર પાછળ ઘણી છોકરીઓ પાગલ હતી. બોલિવૂડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતાએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો, એક શોમાં ગોવિંદાની પત્નીએ જણાવ્યું હતું કે તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે ધર્મેન્દ્રનો ફોટો પાસે રાખતી હતી કે જેથી આવનાર બાળક ધર્મેન્દ્ર જેવું સુંદર હોય.

ધર્મેન્દ્રને હવે પોતાનો જન્મદિવસ મનાવવો પસંદ નથી. અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘મારી મા ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી મારો જન્મદિવસ મનાવતી હતી. તે મારા બર્થ ડેને ખાસ બનાવી દેતી હતી.’ ધર્મેન્દ્રએ આગળ કહ્યું, “મારી માના નિધન પછી હવે મને તેવો ઉત્સાહ રહ્યો નથી. મને મારો જન્મદિવસ મનાવવો ગમતો નથી કારણકે હવે મારી મા આ દુનિયામાં નથી.”

Share This :

Related Articles

Leave a Comment