ગુજરાત / દાહોદમાં યુવતીને ભગાડી જનારા યુવકના પિતાની અપહરણ બાદ કરી નાખી હત્યા.

  • 02-May-2022 09:52 AM

 આજે પણ સમાજમાં પ્રેમલગ્નનો અસ્વીકાર થઈ રહ્યો છે. પ્રેમલગ્ન કરનારા યુવક યુવતીના પરિવાર વચ્ચે દુશ્મનાવટ બંધાઈ જતી હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે દાહોદમાં યુવતીને ભગાડી જનારા યુવકના પિતાની કરપીણ હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લીમખેડાના પરમારના ખાકરીયાની સીમમાંથી એક શખસનો મૃતદેહ (Dead body found) મળી આવ્યો હતો. જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, લીમખેડાના ખીરખાઈ ગામના કેટલાંક લોકોએ અપહરણ કર્યા બાદ આ હત્યા (Murder in Dahod) કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, મૃતકના દીકરાના ખીરખાઈ ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા. જેઓ બંને લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા હતા. આ અદાવતને લઈને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તો લીમખેડા પોલીસે (Dahod news) પણ આ મામલે 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે. મહત્વનુ છે કે અપહરણ તેમજ હત્યાના કેસમાં સરપંચ સહિત ભાજપ જિલ્લા પંચાયતના સભ્યનું નામ ફરિયાદમાં નોંધાતા હાહાકાર મચી ગયો છે.

મળતી વિગતો મુજબ, લીમખેડા તાલુકાના ખાખરીયા ગામમાં રહેતા પંકેશ નીનામા નામના યુવકના ખીરખાઈ ગામના રયલાભાઈ ડામોરની દીકરી સાથે પ્રેમસંબંધ હતા. યુવક અને યુવતી લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ભાગી ગયા હતા. આ વાતની જાણ થતા પરિવારમાં હોબાળો મચી ગયો હતો. બાદમાં રયલાભાઈના પરિવાના લોકો પંકેશના ઘરે પહોંચ્યા હતા. તેઓએ પંકેશના પિતા સુક્રમભાઈ તથા પરિવારના અન્ય સભ્યો સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. વાત આટલેથી પુરી થઈ નહોતી. ઉશ્કેરાયેલા યુવતીના પરિવારના લોકો સુક્રમભાઈનું અપહરણ કરીને ખીરખાઈ ગામમાં લઈ ગયા હતા. જ્યાં સુક્રમભાઈને ઝાડ સાથે બાંધીને ઢોર મારવામાં આવ્યો હતો.

અસહ્ય માર મારવાના કારણે સુક્રમભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. એ પછી યુવતીના પરિવારના લોકો ગભરાઈ ગયા હતા. બાદમાં સુક્રમભાઈની લાશને ખાખરીયાની સીમમાં રસ્તાની બાજુએ ફેંકી દઈને ફરાર થઈ ગયા હતા. લાશ મળતા આસપાસના લોકોનાં ટોળા એકઠા થયા હતા. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે લાશનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતીને ભગાડી જવાની વાતમાં પરિવારે યુવકના પિતાનું અપહરણ કર્યુ હતુ અને હત્યા કરી હતી. આ ઘટના બાદ મૃતક સુક્રમભાઈના પુત્ર નરેશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે લીમખેડા પોલીસે સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This :

Related Articles

Leave a Comment