ગુજરાત / દેશમાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતને સામાન્ય રાહત મળવાની સંભાવના.

  • 02-May-2022 09:53 AM

 દેશમાં ઉત્તરપશ્ચિમ અને મધ્યભારતમાં આકરી ગરમી પડતા પાછલા 122 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આ સાથે મે મહિનામાં પણ તાપમાન ઊંચું રહેવાની આગાહી દેશના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે મે મહિનામાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં મે મહિનામાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની આગાહી છે. જોકે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા મે મહિનાની શરુઆતમાં ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય આગામી અઠવાડિયાની શરુઆતમાં હિટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું નથી. જોકે, મે મહિનાના બીજા અઠવાડિયાથી ફરી એકવાર પારો ઊંચો જઈને રેકોર્ડ તોડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં રવિવારે કચ્છ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગરમીનું પ્રમાણ ઓછું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં પાછલા બે દિવસ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેની સાથે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેમાં હવે આગામી દિવસોમાં 2-3 ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી અઠવાડિયાથી ગુરુવાર સુધીમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

ગુજરાતમાં ગરમીથી હળવી રાહત મળવાની સંભાવના વચ્ચે દેશના ઉત્તરપશ્ચિમ અને મધ્યભાગમાં આકરી ગરમી પડવાની પણ સંભાવના દેશના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગરમી બાદ વરસાદ કેવો રહેશે?

એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ ઊંચું રહેતા દેશમાં 122 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે ત્યારે મે મહિનામાં પણ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ સાથે સરેરાશ વરસાદ પણ સામાન્ય કરતા વધારે રહે તેવી વકી છે. જ્યારે ઉત્તરપશ્ચિમ અન ઉત્તરપૂર્વ ભારતના કેટલાક વિસ્તારો અને દૂરના દક્ષિણપૂર્વ દ્વિપકલ્પ ભારતના વિસ્તારોમાં મે મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ રહી શકે છે.

રાજસ્થાનમાં ગરમી 50 ડિગ્રીને પાર જવાની વકી

હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીને પાર જશે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના વડા મહાપાત્રાને સિઝનમાં તાપમાન 50 ડિગ્રીને વટી જશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું આવી આગાહી કરી શકું નહીં, પરંતુ હવામાનની દ્રષ્ટીએ તે શક્ય છે, કારણ કે મે મહિનો સૌથી ગરમ છે.

Share This :

Related Articles

Leave a Comment