ગુજરાત / લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ, વરરાજા અને ભત્રીજાને ગંભીર ઈજા.

  • 18-May-2022 09:51 AM

નવસારી જિલ્લાના વાંસદામાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શરીર દાઝી જવાને કારણે હવે તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બીજી તરફ ગિફ્ટમાં બ્લાસ્ટ થતાં પોલીસ દ્વારા તેનું કારણ જાણવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ડિટોનેટર બ્લાસ્ટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગિફ્ટ કોઈ પૂર્વ આયોજિત કાવતરૂં હતું કે કેમ તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.

ભેટમાં બ્લાસ્ટ થતાં તપાસનો ધમધમાટ શરૂ
મીડિયા રિપોર્ટ અનુસાર વાંસદાના મિંઢાબારી ગામે મંગળવારે સવારે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં જ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને FSLની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ હાથ ધરી હતી.

મોટી દીકરીના પૂર્વ પ્રેમીએ કાંડ કર્યાની શંકા
પ્રાપ્ત માહિતી અનુસાર મિંઢાબારી ગામના યુવક લતેશ ગાવિતના ગત 12 મેના દિવસે લગ્ન હતા. યુવકના સસરાના જણાવ્યા અનુસાર તેમની નાની દીકરી અને જમાઈ ગિફ્ટ ચેક કરી રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલે આરતી પટેલ નામની આશા વર્કર દ્વારા આ ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક ગિફ્ટ મોકલાવ્યું હતું. જેથી તેણે જ આ કાંડ કર્યો હોવાની શક્યતા વધારે છે.

ગિફ્ટમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં વરરાજા આંખ અને હાથમાં જ્યારે અને 3 વર્ષીય ભત્રીજાને કપાળમાં ફ્રેક્ચર થતાં બંનેને સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં ગિફ્ટ મોકલનારા પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલ શંકાના દાયરામાં છે. આ અંગે વાંસદા પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને પરિવારના સભ્યોનું નિવેદન લઈને વધુ તપાસ કરી રહી છે.

Share This :

Related Articles

Leave a Comment