હેલ્થ / કોરોનાની બીજી-ત્રીજી લહેરની આગાહી કરનાર IIT કાનપુરના પ્રોફેસરે કહ્યું ચોથી લહેરની શક્યતા ઓછી.

  • 18-May-2022 10:27 AM

ભારતમાં કોવિડ -19 ની ચોથી લહેરની સંભાવના ઓછી છે, તેમ IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ માને છે, જેમનું મેથેમેટિકલ મોડેલ છેલ્લા બે વર્ષમાં દેશમાં મહામારીના દરેક કર્વ અને બદલાવને સમજવા માટે એક સંદર્ભ બિંદુ સમાન છે. રવિવારે અમારા સહયોગી TOI સાથે વાત કરતા તેમણે કહ્યું કે: "કોવિડ -19 કેસોમાં વધારો અત્યારે ચોથી લહેરનું નિર્માણ કરી રહ્યો નથી." ગૌતમ બુદ્ધ નગર અને યુપીના ગાઝિયાબાદના દિલ્હી અને એનસીઆર જિલ્લાઓ સહિત ઘણા રાજ્યોમાં કેસોમાં વધારો થવાના કારણ પર તેમણે કહ્યું કે, ''કેસોમાં હાલનો વધારો નિયંત્રણો હટાવવાનું પરિણામ હોવાનું જણાય છે. એવું લાગે છે કે સામાન્ય સ્થિતિમાં લોકજીવન પાછા ફરવાનું પરિણામ છે. યુપીમાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ 100 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે. રવિવારે 135 નવા કેસ નોંધાયા હતા. પોતાની આગાહીના તર્કને ટાંકીને તેમણે કહ્યું: "લોકોમાં કોરોનાવાયરસ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ 90% થી વધુ છે, જે નવા પ્રકારોને બનવા અને તેના ફેલાવા માટે કોઈ જગ્યા આપશે નહીં." તેમણે આ માટે બીજી લહેર દરમિયાન કોરોનાના વધારે ફેલાવા અને વાયરસ સામે મોટાપાયે સુરક્ષા આપતી રસીકરણના વ્યાપક કવરેજને શ્રેય આપ્યો હતો." જેના કારણે આપણને વાયરસ સામે સામુહિક રોગપ્રતકારક શક્તિ ડેવલોપ કરવામાં મદદ મળી છે.

આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ રસીના ડોઝની કુલ સંખ્યા રવિવારે 186.51 કરોડને વટાવી ગઈ છે. મોટાભાગનાં રાજ્યોમાં પાત્રતા ધરાવતી તમામ પુખ્ત વયની વસ્તીએ રસીનો પહેલો ડોઝ મેળવી લીધો છે. જ્યારે દર ત્રણમાંથી બે વ્યક્તિને રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. યુપીમાં, લગભગ 86% પુખ્ત વયની વસ્તીએ બંને ડોઝ લીધા છે. તેમણે કહ્યું કે કુદરતી રોગપ્રતિકારક શક્તિ પણ હોસ્પિટલમાં ઓછા એક્ટિવ કેસના દાખલ થવાનું કારણ છે. જો કે, તેમણે આગ્રહ કરતાં કહ્યું કે સરકારોએ તેમનું મોનિટરિંગ અને સર્વેલન્સ કાર્ય ચાલુ રાખવું જોઈએ, તેમજ લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ આ બિમારીના કેરિયર અથવા ફેલાવનારા ન બને. "દરેક વ્યક્તિએ બિમારીને લગતા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ ફ્લૂ જેવા લક્ષણો સાથે બિમાર પડ્યું હોય." તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં કહ્યું કે ''હાલ થોભો અને રાહ જુઓ સમાન સ્થિતિ છે. ઘણા દેશોમાં, કેસ વધ્યા પણ પછી તરત જ સંખ્યા ઘટી ગઈ હતી.'' તેમણે કહ્યું કે, '' આપણે ગભરાવાની જરૂર નથી પણ સરકાર અને લોકોએ સાવચેતી રાખવાની જરુરિયાત છે.''

પ્રોફેસર અગ્રવાલે કોવિડ-19 કેસોના જીનોમ સિક્વન્સિંગ હાથ ધરવા માટે યુપી સરકારની વ્યૂહરચનાની પ્રશંસા કરી હતી. આ બાબતની નોંધ લેતા, કેન્દ્રીય આરોગ્ય સચિવે કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને મિઝોરમ રાજ્યોને મહામારીના ફેલાવા પર દેખરેખ રાખવા અને જરૂરી પગલાં લેવા માટે પત્ર લખ્યો હતો અને બિમારીની ત્વરિત અને અસરકારક સાવાર માટે વિશેષ વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું.

દિલ્હીમાં કેસોમાં વધારાની વચ્ચે, યુપીના સીએમ યોગી આદિત્યનાથે છેલ્લીવાર મંગળવારે આરોગ્ય અને વહીવટી અધિકારીઓને એનસીઆરના જિલ્લાઓ પર ભાર મૂકીને સમગ્ર રાજ્યમાં ટ્રેકિંગ ટ્રેસિંગ સાથે સર્વેલન્સ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. શનિવારે, યોગીએ એનસીઆર જિલ્લાઓમાં નોંધાયેલા પોઝિટિવ દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ માટેના આદેશો જારી કર્યા. યુપીમાં એક્ટિવ કેસ માત્ર આઠ દિવસમાં (એપ્રિલ 10-એપ્રિલ 17) 296 થી વધીને 610 થઈ ગયા છે, જે એક અઠવાડિયામાં લગભગ 45% જેટલો ઉછાળો છે. NCR જિલ્લાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. ગાઝિયાબાદમાં એક્ટિવ કેસ લોડ 30 થી વધીને 113 થયો હતો જ્યારે તે જ સમયગાળામાં ગૌતમ બુદ્ધ નગરમાં એક્ટિવ કેસ 54 થી વધીને 280 થયા હતા.
 

Share This :

Related Articles

Leave a Comment