હેલ્થ / ઓમિક્રોનનો નવો વેરિયન્ટ XE કેટલો ખતરનાક? WHOના ચીફ સાયન્ટિસ્ટે જણાવી મહત્વની વાત.

  • 18-May-2022 10:27 AM

કોરોનાના કેસો ઘણા ઘટી ગયા છે અને ઘણી હદ સુધી હવે કોરોના કાળ પહેલા જેવી સ્થિતિ થઈ ગઈ છે. આ દરમિયાન બુધવારે મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ XEનો કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે, આરોગ્ય મંત્રાલયે તેની પુષ્ટી કરી નથી. કોરોનાનો જ્યારે પણ કોઈ નવો વેરિયન્ટ સામે આવે છે ત્યારે તેને લઈને લોકોના મનમાં ઘણા સવાલો ઊભો થાય છે. જેમકે, શું કેસો ફરી વધશે, તે કેટલો સંક્રામક હશે, વગેરે. જોકે, નવા વેરિયન્ટને લઈને ડબલ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને જે વાત જણાવી છે, તે ઘણી રાહત આપનારી છે. તેમણે કહ્યું કે, XE વેરિયન્ટ ડેલ્ટા જેટલો પ્રભાવી નથી.

ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોરોનાના XE વેરિયન્ટનો ભારતમાં ડેલ્ટા જેવો પ્રભાવ થવાની શક્યતા નથી. ભારતમાં મોટાભાગના લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. નવા વેરિયન્ટને લઈને પ્રાથમિક આંકડાઓના આધારે કહી શકાય કે તે બીજા વેરિયન્ટ કરતા 10 ટકા વધુ સંક્રામક છે. એટલે કે તેનો ફેલાવવાનું પ્રમાણ વધારે છે. ડો. સૌમ્યાનું કહેવું છે કે, અમે હજુ પણ XE વેરિયન્ટનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ અને વધુ જાણકારી મળી રહ્યા છે. હજુ સુધી ડરવાની જરૂર નથી, કેમકે તે વધુ ગંભીર બીમારીનું કારણ નથી બની રહ્યો. જેને વેક્સીન મૂકાઈ ગઈ છે, તેમાં શરૂઆતના કોઈ ગંભીર લક્ષણ દેખાઈ નથી રહ્યા.

ટોપ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, XE વેરિયન્ટ ભારત માટે એટલો ગંભીર મામલો નથી. વાયરોલોજિસ્ટ ડો. શાહિદ જમીલના જણાવ્યા મુજબ, બધા ભારતીયોમાં સાર્સ-કોવ2ના આ સબ-વેરિયન્ટની સામે એન્ટીબોડી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે, તેનાથી ભારતમાં કોઈ ફરક પડશે. યુકે હેલ્થ એજન્સીના ચીફ મેડિકલ એડવાઈઝર સુસાન હોપકિંસ મુજબ, કોરોના વાયરસના અન્ય વેરિયન્ટની સાથે જોડાઈને બની રહેલા આ પ્રકારના વેરિયન્ટ વધુ ઘાતક નથી હોતા અને જલદી મરી જાય છે.

ઓમીક્રોનના બે બે સબવેરિયન્ટ બીએ1 અને બીએ2નું રીકોમ્બિનેટ તૈયાર થયું છે, જેને XE કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કોઈ કોમ્બિનેશન ત્યારે તૈયાર થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ એકથી વધારે પ્રકારે સંક્રમિત હોય. અત્યાર સુધીમાં લગભગ 700 કેસ મળ્યા છે. આ વાયરસ યુકેમાં મળ્યો છે. તેમાંથી સથી પહેલો કેસ 19મી જાન્યુઆરી, 2022એ સામે આવ્યો હતો.

એશિયા અને યુરોપના ઘણા દેશો કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ ખરાબ હાલત દક્ષિણ કોરિયાની છે, જ્યાં રોજ ઘણી સંખ્યામાં નવા કેસ જોવા મળી રહ્યા છે. ચીનમાં સ્થિતિ ગંભીર બનેલી છે, જ્યાં ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લગાવી દેવાયું છે. એવા સમયમાં આ નવા વેરિયન્ટે ચિંતા ચોક્કસ ઊભી કરી દીધી છે.

Share This :

Related Articles

Leave a Comment