ગુજરાત / પૈસાના ભૂખ્યા મા-બાપ સામે દીકરાએ જ નોંધાવી ફરિયાદ, દહેજ માટે મોટી રકમ માગતા પ્રેમિકા સાથે લગ્ન અટકી ગયા.

  • 19-May-2022 10:01 AM

દહેજ એક એવી કુપ્રથા છે જે ભારતમાં સદીઓથી ચાલી આવી છે. દહેજ આપવા કે લેવાને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં આજે પણ કેટલાય લગ્નોમાં આ કુરિવાજ ચાલ્યો આવે છે. દહેજના કારણે કેટલીય મહિલાઓની જિંદગી બરબાદ થઈ જાય છે. સાસરા પક્ષ તરફથી મહિલાને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવે છે. કેટલીક મહિલાઓ હિંમત કરીને આવી હિન માનસિકતા ધરાવતા ઘર અને પતિને છોડી દે છે અને તેમની સામે કાયદાકીય પગલાં લે છે તો વળી કેટલીક છેક સુધી ત્રાસ વેઠ્યા કરે છે. મહિલાઓએ પતિ અને સાસુ-સસરા સામે દહેજને લઈને કેસ કર્યો હોય તેવા કિસ્સા સાંભળ્યા હશે પરંતુ ઉત્તરપ્રદેશના મેરઠમાં યુવકે પોતાના જ માતાપિતા સામે દહેજનો કેસ કર્યો છે. વાંચીને નવાઈ લાગીને? ઉત્તરપ્રદેશના મેરઠ (Meerut) જિલ્લાના રોહતા (Rohta)માં રહેતાં 31 વર્ષીય યોગેશ કુમાર (Yogesh Kumar) મંગળવારે પોતાના માતાપિતા સામે દહેજ (Dowry)ની ફરિયાદ નોંધાવી છે.

યોગેશ કુમારે SSP પ્રભાકર ચૌધરીની કચેરીમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. યોગેશે તેમને જણાવ્યું કે, પોતે 26 વર્ષીય યુવતીના પ્રેમમાં છે પરંતુ માતાપિતા દહેજ માટે મોટું મોં ફાડી રહ્યા હોવાથી તેમના લગ્ન નથી થઈ રહ્યા. SSPને કરેલી ફરિયાદમાં યોગેશ કુમારે લખ્યું, "મારા માતાપિતાને માત્ર રૂપિયા જ નહીં ઘરવખરીનો પણ કેટલોય સામાન જોઈએ છે. તેમણે આખું લિસ્ટ બનાવીને મોકલ્યું છે. મારી પ્રેમિકાનો પરિવાર પૈસે-ટકે સુખી નથી."

એસએસપીએ કંકરખેડાના એસએચઓને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું, "તપાસ કર્યા બાદ અમને પૂરતી વિગતો મળશે પછી અમે FIR ફાઈલ કરીશું."

પાંચ ભાઈ-બહેનોમાંથી સૌથી મોટા યોગેશ કુમારનું કહેવું છે કે તેના બધા જ ભાઈ-બહેન પરણી ગયા છે. યોગેશ કુમાર સ્થાનિક ડેકોરેટર છે અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. "હું છેલ્લા 12 વર્ષથી મારી પ્રેમિકા સાથે પ્રેમમાં છું." યોગેશ કુમારનો આરોપ છે કે તેના માતાપિતાએ તેને અને તેની ગર્લફ્રેન્ડને માર માર્યો હતો અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.

"જો મારે કોર્ટ મેરેજ કરવા હોત તો હું તેને લઈને ક્યારનો ભાગી ગયો હોત. મારા ભાઈ-બહેનોને તેમના લગ્નમાં જે માન-સન્માન મળ્યું તે મને પણ મળે તેમ ઈચ્છું છું. મને ખાતરી છે કે મારી પ્રેમિકા સાથે પરણાવવામાં પોલીસ મદદ કરશે", તેમ યોગેશ કુમારે ઉમેર્યું.

Share This :

Related Articles

Leave a Comment