બિઝનેસ / અંબાણીથી આગળ નીકળેલાં અદાણી ગણતરીના સમયમાં ફરીથી નં.2ના સ્થાને.

  • 28-Nov-2021 09:19 AM

કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ નવા વેરિયન્ટની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી અને નવા વેરિયન્ટને કારણે શેરબજારમાં ભારે કડાકો બોલાયો હતો. જેને કારણે ગૌતમ અદાણીને મસમોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. બે દિવસ પહેલાં જ નેટવર્થમાં મુકેશ અંબાણીની લગોલગ આવી ગયેલાં અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 93 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થયું હતું. બે દિવસ પહેલાં મુકેશ અંબાણી અને અદાણીની નેટવર્થમાં 0.6 અબજ ડોલર જેટલું મામુલી અંતર રહી ગયું હતું. પણ અદાણીને કારણે થયેલાં ભારે નુકસાનને કારણે આ અંતર હવે 13 અબજ ડોલર થઈ ગયું છે. આમ બે દિવસ પહેલાં જ્યાં લાગતું હતું કે, અંબાણીને પછાડી અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની જશે, ત્યારે શેરબજારની ઉથલપાથલે તમામ પાસાઓ પલટી દીધા હતા.

શેરબજારમાં કડાકાને કારણે અદાણીની કંપનીઓના શેરોમાં પણ ઘટાડો

દક્ષિણ આફ્રિકાના બોત્સવાના મળેલાં કોરોનાનાં નવા વેરિયન્ટ બાદ સમગ્ર દુનિયાના શેરબજારમાં કડાકો બોલાયો હતો. ભારતીય શેરબજારમાં પણ 1688 અંકોનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે શેરબજારમાં આવેલાં ભારે કડાકા બાદ અદાણી ગ્રૃપની તમામ 6 લિસ્ટેડ કંપનીઓમાં પણ ઘટાડો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સમાં 5.86 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝમાં 5.31 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 1.16 ટકા, અદાણી પાવરમાં 3.52 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 2.31 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 2.01 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અદાણી દુનિયાના 13મા સૌથી અમીર વ્યક્તિ

અદાણીની કંપનીઓની કિંમતો ધડામ કરતાં પછડાતાં ગૌતમ અદાણીના નેટવર્થમાં 12.4 અબજ ડોલર એટલે કે 93,065 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ અદાણીની નેટવર્થ હવે 78.1 અબજ ડોલર રહી ગઈ છે, અને તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં 13મા સ્થાને પહોંચી ગયા છે. જો કે, આ વર્ષે ગૌતમ અદાણીની નેટવર્થમાં 44.3 અબજ ડોલરનો વધારો થયો છે.

મુકેશ અંબાણીની નેટવર્થમાં 3.68 અબજ ડોલરનું ગાબડું

જો કે, શેરબજારના કડાકાની અસર રિલાયન્સના શેરો ઉપર પણ પડી હતી અને કંપનીના શેરોમાં 3.30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેને કારણે તેમની નેટવર્થમાં 3.68 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 91.1 અબજ ડોલર રહી ગઈ છે, અને આ સાથે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં 11મા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રિલાયન્સના શેરોમાં 6.10 ટકાનો વધારો નોંધાતાં અંબાણીની નેટવર્થ 94.78 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. આ વર્ષે અંબાણીની નેટવર્થમાં 14.4 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.

દુનિયાના ટોપ 10 સૌથી અમીર વ્યક્તિ

શુક્રવારે દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો હતો. તેવામાં એલન મસ્કની નેટવર્થમાં પણ 8.38 અજબ ડોલરનો ઘટાડો નોંધાયો ગતો. જો કે, 296 અજબ ડોલરની નેટવર્થ સાથે તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તે બાદ એમેઝોનના જેફ બેઝોસ 201 અજબ ડોલર સાથે બીજા નંબરે, LVMH Moët Hennessyના બર્નાર્ડ આરનોલ્ટ 164 અજબ ડોલર સાથે ત્રીજા સ્થાને, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ 136 અજબ ડોલર સાથે ચોથા સ્થાને, લેરી પેજ 127 અજબ ડોલર સાથે પાંચમા સ્થાને, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 124 અજબ ડોલર સાથે છઠ્ઠા સ્થાને, ગુગલના સર્ગેઈ બ્રિન 122 અજબ ડોલર સાથે સાતમા સ્થાને, અમેરિકન બિઝનેસમેન સ્ટીવ બાલ્મર 117 અજબ ડોલર સાથે આઠમા, લેરી એલિસન 112 અજબ ડોલર સાથે નવમા અને વોરેન બફેટ 103 અજબ ડોલર સાથે દસમા સ્થાને છે.

Share This :

Related Articles

Leave a Comment