ગુજરાત / રાજ્ય સરકારે ધોરણ 9-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો.

  • 28-Nov-2021 10:58 AM

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ શાળાઓનાં ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. અનેક માનસિક પરિસ્થિતિઓનો સામનો કર્યાં બાદ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જો કે હવે રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ધોરણ 9થી12ની પરીક્ષામાં 30 ટકા સુધી MCQ પ્રશ્નો પુછાશે, જ્યારે 70 ટકા વર્ણનાત્મક પશ્નો પુછવામાં આવશે. રાજ્યના ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતાં કુલ 29,75,285 જેટલાં વિદ્યાર્થીઓને સરકારના આ નિર્ણયથી લાભ મળશે તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

12 exaam

 

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના આ નિયમની જાણકારી મીડિયા સમક્ષ આપી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓનો તણાવ ઘટે તેમજ વાલીઓની ચિંતા ઘટે તે માટે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.12માં 15/7/2021ના રોજથી અને ધો. 9થી 11માં તા.26/7/2021થી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. છ માસિક પરીક્ષા નિયત સમયે ઓફલાઇન રીતે લેવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવી હિત, JEE અને NEETની પરીક્ષાઓમાં તેઓ સારો દેખાવ કરી શકે, દેશના અન્ય વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે, તેઓની ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે સાનુકુળ વાતાવરણ બની રહે, સાથોસાથ અભ્યાસ બાબતે વિદ્યાર્થીઓનો તણાવ અને વાલીઓની ચિંતા ઘટે તે ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલની પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો, અત્યારે ધોરણ 9,10, 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 20 ટકા હેતુલક્ષી અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછવામાં આવે છે અને આ પરીક્ષામાં વિકલ્પનો પ્રકાર ઈન્ટરનલ હોય છે. અને હવે સરકાર દ્વારા ફેરફાર કર્યાં બાદ આગામી પરીક્ષાઓમાં હવે ધોરણ 9,10, 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો હશે, જ્યારે વિકલ્પનો પ્રકાર જનરલ હશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હાલ 50 ટકા ઓએમઆર અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું માળખું યથાવત રાખવામાં આવ્યું છે. જો કે તેમાં પણ વિકલ્પનો પ્રકાર ઈન્ટરનલમાંથી બદલીને જનરલ કરવામાં આવ્યો છે.

Share This :

Related Articles

Leave a Comment