વર્લ્ડ / Omicronના 30 વધારે મ્યુટેશન, રસીની અસર ઘટાડી શકે છે, ડો. ગુલેરિયાએ કર્યો ચોંકાવનારો દાવો.

  • 29-Nov-2021 08:48 AM

કોરોના વાયરસનો નવો પ્રકાર ઓમીક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યા બાદ અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસના સામે આવ્યા પછી આખી દુનિયામાં મહામારીને લઇને ફરી એકવાર ચિંતા ઉભી થઇ ગઇ છે. જોકે સાવચેતીના પગલે અનેક દેશોએ આ વાયરસથી પ્રભાવિત દેશોની મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ભારતમાં પણ ઓમીક્રોન વાયરસના સામે આવ્યા બાદથી કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ કર્યા છે. આ મુદ્દે એઈમ્સ(AIIMS)ના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ આશંકા વ્યક્ત કરી છે કે આ વેરિયન્ટના સ્પાઇક એરિયામાં 30થી વધુ મ્યુટેશનને લીધે રસીની અસર પણ પ્રભાવિત કરી શકે છે.

ડો. ગુલેરિયાનું કહેવુ છે કે, ઓમીક્રોન વેરિયન્ટના સ્પાઇક પ્રોટીન એરિયામાં 30થી વધુ મ્યુટેશન થઇ ચૂક્યા છે, જે રસીની અસરને પ્રભાવિત કરી શકે છે. તેમણે જણાવ્યું કે, મોટાભાગની કોરોના રસી સ્પાઇક વિરુદ્ધ એન્ટીબોડી બનાવીને કામ કરે છે, એવામાં સ્પાઇક એરિયામાં આટલા બધા ફેરફારથી રસીની અસર પ્રભાવિત થઇ શકે છે.

તેમનું કહેવુ છે કે આ વેરિયન્ટમાં રસી કેટલી અસરકારક રહેશે એની ગંભીર તપાસ થવી જોઇએ. જોકે રાહતની વાત એ છે કે ભારતમાં હજુ સુધી ઓમીક્રોનથી સંક્રમિત એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે આ દરમિયાન વેક્સીનેશન પર જોર આપ્યું છે અને જનતાને કોવિડ નિયમોના પાલન માટે જવાબદાર રહેવા અપીલ કરી છે.

આ મુદ્દે કેન્દ્ર સરકારે પણ ગુરુવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા છે. જેમાં તેઓને નવા વેરિયન્ટથી પ્રભાવિત દેશો બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગથી આવનારા મુસાફરોનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આવા મુસાફરોના સેમ્પલ લેવા અને નક્કી કરેલા સમય સુધી તેમની પર નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

Share This :

Related Articles

Leave a Comment