વર્લ્ડ / 'ડેલ્ટા વેરિયંટથી 6 ગણી વધુ ઝડપથી ફેલાય છે Omicron, રસી લઈ ચૂકેલા પણ થઈ શકે સંક્રમિત'.

  • 29-Nov-2021 09:56 AM

 કોરોનાના નવા વેરિયંટ B.1.1.529 (ઓમીક્રોન)ને દુનિયાભરમાં દહેશતનો માહોલ ઊભો કર્યો છે. રોજરોજ તેના વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમીક્રોન વેરિયંટ સામે મોનોક્લોનલ એન્ટીબોડી થેરપી અથવા કોકટેલ ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ જઈ શકે છે.

દક્ષિણ આફ્રિકા અને અન્ય વિસ્તારો જ્યાં આ નવો વેરિયંટ ફેલાયો છે તેના પ્રાથમિક વિશ્લેષણ પરથી નિષ્ણાતોનું માનવું છે કે, ઓમીક્રોન 6 ગણી વધુ ઝડપથી ફેલાવાની (આર વેલ્યૂ) ક્ષમતા ધરાવે છે. ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ કરતાં છ ગણી વધુ ઝડપથી ઓમીક્રોનનું સંક્રમણ ફેલાય છે. આ વેરિયંટ રોગપ્રતિકારક શક્તિને નષ્ટ પણ કરી શકે છે. ઉપરાંત રસી લઈ ચૂકેલા લોકો પણ આનાથી સંક્રમિત થઈ શકે છે.

ગંભીર સંક્રમણ અને ઊંચા મૃત્યુદર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ પર મોનોક્લોનલ એન્ટીબોડી થેરપી અસરકારક છે. જોકે, તેના બીજા પ્રકાર ડેલ્ટા પ્લસ પર આ થેરપીની અસર થતી નથી. કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કાની સારવારમાં આ થેરપીને જાદુઈ માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસ બાદ ઓમીક્રોન બીજો વેરિયંટ છે જે ચિંતાનું કારણ બન્યો છે કારણકે આના પર મોનોક્લોનલ એન્ટીબોડી સારવારની અસર થતી નથી.

IGIB ખાતે રિસર્ચ સ્કોલર મર્સી રોફિના (Mercy Rophina)નું કહેવું છે કે, આ નવા કોરોના વેરિયંટના 53 પ્રકાર છે જેમાંથી 32 સ્પાઈક પ્રોટીન વેરિયંટ છે. "ધ્યાનમાં લેવાયેલા મોટાભાગના વેરિયંટ રોગપ્રતિકારક શક્તિ અને અન્ય કાર્યાત્મક પ્રભાવોનો પ્રતિકાર કરે છે. G339D, S373P, G496S, Q498R અને Y505H પર સ્પાઈક રીસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન સાથેના 6 પ્રકારો etesevimab, bamlanivimab, casirivimab, imdevimab અને તેના કોકટેલ સહિતના મોનોક્લોનલ એન્ટીબોડીઝ (mAbs)નો પ્રતિકારક કરે છે. ", તેમ મર્સીએ ટ્વિટ કરીને જણાવ્યું.

નવા વેરિયંટ પર જીનોમ સાયન્સિઝના એક્સપર્ટ સ્કારિયા (Scaria)એ એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, ઈઝરાયલમાં B.1.1.529 વેરિયંટનો ઓછામાં ઓછો એક કેસ તો એવો મળી જ આવશે જેમાં કોવિડ-19 વેક્સીનનો બૂસ્ટર લેનાર વ્યક્તિ પણ સંક્રમિત થઈ હોય. "રોગની ગંભીરતા હજી જાણી શકાઈ નથી અને આ મુદ્દો સૌથી વધુ ધ્યાનમાં લેવા જેવો છે. રસી લીધા બાદ પણ સંક્રમણ થવું તે મુદ્દો ચિંતાનો મોટો વિષય નથી (રસી લીધા બાદ ડેલ્ટા વેરિયંટથી સંક્રમિત થયા હોવાના કિસ્સા છે) પરંતુ નવો વેરિયંટ કેટલી ઝડપથી ફેલાય છે અને તેનું પરિણામ (ગંભીરતા અને મૃત્યુદર) શું રહેશે તે મહત્વના મુદ્દા છે", તેમ તેમણે ઉમેર્યું.

સ્કારિયાની લેબમાં જ મર્સી કામ કરે છે અને તેમણે જ રોગપ્રતિકારક શક્તિમાં છીંડા પાડતાં ઓમીક્રોનના મ્યૂટેશનના માળખાકીય સંદર્ભનું સંકલન કર્યું છે.

સ્કારિયાના મતાનુસાર S1/S2માં ફુરિન ક્લીવેજ સાઈટ સંભવિત રીતે વધુ સારી સેલ એન્ટ્રી (અને કદાચ ફેલાવો પણ) સૂચવે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, કોમ્બિનેશનમાં તેઓ ઉદ્ભવે ત્યારે સિંગલ મ્યૂટેશનના ગુણધર્મો તેમાં આવતા નથી. તેમ છતાં તેઓ ભ્રમણ કરવા માટે સંભવિત દિશાઓ આપે છે.

"સિક્વન્સિંગમાં પૂર્વાગ્રહની સંભાવના રહેલી છે તેમ છતાં B.1.1.529 વેરિયંટ સાઉથ આફ્રિકામાં હાવી (2 અઠવાડિયામાં 0થી 75 ટકા) થતો દેખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધુ સિકવન્સ અને ડેટા બહાર આવશે. ભૂતકાળમાં ચિંતાનું કારણ બનેલાં વેરિયન્ટ્સ કરતાં પણ વધુ ઝડપથી B.1.1.529 વેરિયંટ સાઉથ આફ્રિકામાં ફેલાઈ રહ્યો છે", તેમ સ્કારિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું.

Share This :

Related Articles

Leave a Comment