ગુજરાત / ‘પગાર માટે તો લગ્ન કર્યા છે’, CA પત્નીએ પગાર આપવાનો ઈનકાર કરતા પતિએ મારઝૂડ કરી.

  • 30-Sep-2021 11:13 AM

શહેરના નાના ચિલોડા વિસ્તારમાં રહેતી એક 27 વર્ષીય મહિલાએ મંગળવારના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર, તેનો પતિ તેણીનો આખો પગાર લઈ લેતો હતો અને જો મહિલા પૈસા આપવાની ના પાડે તો તેને માર મારતો હતો. પીડિત મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. ફરિયાદ અનુસાર, ફરિયાદી મહિલાના ઓગસ્ટ 2018માં નાના ચિલોડા વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા.

ફરિયાદી મહિલાનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મહિલાની ફરિયાદ અનુસાર, લગ્ન પછી તરત જ પતિએ એવી માંગ કરી હતી કે તેણે આખો પગાર પતિના હાથમાં આપી દેવો પડશે. મહિલા જણાવે છે કે, જ્યારે હું તેને અડધો પગાર આપતી તો એ મને માર મારતો હતો અને કહેતો હતો કે તેણે મારી સાથે માત્ર પગાર માટે લગ્ન કર્યા છે. જો તુ મને પૈસા આપવાની ના પાડીશ તો તારે માઠા પરિણામ ભોગવવા પડશે.

મહિલાની ફરિયાદ અનુસાર, પતિ-પત્ની જાન્યુઆરી, 2019માં કામ માટે બોત્સવાના ગયા હતા. ત્યાં જઈને પણ પતિ પૈસા બાબતે અવારનવાર મારપીટ કરતો હતો. મહિલાએ FIRમાં લખાવ્યું કે, જો હું તેને પૈસા આપવાની ના પાડું તો તે મને મારતો હતો અને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તે મને ધમકાવતો હતો કે અહીં બોત્સવાનામાં તારી મદદ કરનાર કોઈ નથી, માટે હું તને જીવથી મારી નાખીશ.


આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેઓ ભારત પાછા ફર્યા હતા, પરંતુ પત્નીના આરોપ અનુસાર અહીં આવીને પણ મારપીટ ચાલુ જ રહી હતી. સોમવારના રોજ જ્યારે પીડિત મહિલાના માતા-પિતા તેને મળવા ગયા હતા ત્યારે તેના પતિએ તેમનું અપમાન કર્યુ હતું અને તેમને તે ઘરમાં ના આવવાની ચીમકી આપી હતી. ત્યારપછી મહિલાએ પણ ઘર છોડી દીધુ હતું અને માતા-પિતાના ઘરે જતી રહી હતી. મહિલાએ ત્યારપછી પોલીસની મદદ લીધી અને ઘરેલુ હિંસાની સાથે સાથે નુકસાન પહોંચાડવું, ધમકી આપવી, અપશબ્દોનો ઉપયોગ કરવો વગેરે બાબતે ફરિયાદ નોંધાવી હતી.

Share This :

Related Articles

Leave a Comment