બિઝનેસ / Go Fashionનું ધમાકેદાર લિસ્ટિંગ, એક જ દિવસમાં 90 ટકા ઉછળ્યો શેર.

  • 01-Dec-2021 08:52 AM

વિમેન્સ બોટમ વીયર બ્રાન્ડ ગો ફેશનના શેર્સનું અપેક્ષા અનુસાર ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. મંગળવારે તેનો શેર લિસ્ટિંગ સાથે જ 1,316 રુપિયાના સ્તરે પહોંચ્યો હતો, જે તેની ઓફર પ્રાઈસથી 90 ટકા વધારે છે. કંપનીએ આઈપીઓમાં 690 રુપિયાના ભાવે શેર્સ ઓફર કર્યા હતા. NSE પર તેનો શેર 1310 રુપિયાના સ્તરે એટલે કે 89.86 ટકાના પ્રિમિયમ પર લિસ્ટ થયો હતો.

કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારથી જ તેમાં કમાણીના મજબૂત ચાન્સ છે તેવો એક્સપર્ટ્સનો વ્યૂ હતો. ગ્રે માર્કેટ પણ આ જ સિગ્નલ આપી રહ્યું હતું. લિસ્ટિંગના એક દિવસ પહેલા પણ આ શેરનું ગ્રે માર્કેટ પ્રિમિયમ 490 રુપિયા જેટલું હતું, જે ઈશ્યૂ પ્રાઈસથી 70 ટકા વધારે થાય છે. વળી, કંપનીની પ્રોડક્ટ્સની વાજબી કિંમત અને મજબૂત બિઝનેસ મોડેલ પણ તેના મોટા પ્લસ પોઈન્ટ્સ હતા. જોકે, માર્કેટમાં તાજેતરમાં જોવા મળેલા કડાકા બાદ ગો ફેશનના શેર્સનું પ્રિમિયમમાં લિસ્ટિંગ થશે કે કેમ તે એક સવાલ હતો. ઉલ્લેખનીય છે કે, સોમવાર બાદ આજે પણ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ગો ફેશનનો આઈપીઓ એવરેજ 135.46 ગણો ભરાયો હતો. મોટાભાગના એનાલિસ્ટ્સે આ આઈપીઓને સબસ્ક્રાઈબનું રેટિંગ આપ્યું હતું. કંપની આખા દેશમાં વ્યાપક ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક ધરાવે છે, અને તેનો રેવન્યૂ ગ્રોથ પણ મજબૂત છે. આ ઉપરાંત, હાઈ ઓપરેટિંગ માર્જિન અને હાઈ રિટર્ન ઓન ઈક્વિટી પણ તેના પ્લસ પોઈન્ટ્સ છે. 2010માં શરુ થયેલી ગો ફેશન 'Go colors' બ્રાન્ડ નેમ હેઠળ વિમેન્સ બોટમ વીયર પ્રોડક્ટનું વેચાણ ખરે છે. 23 રાજ્યોમાં તેના 459 બ્રાન્ડ આઉટલેટ્સ આવેલા છે. કંપની બ્રાન્ડેડ વિમેન્સ બોટમ-વીયર માર્કેટમાં 8 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની આવક 250 કરોડ જેટલી નોંધાઈ હતી. જોકે, તેણે આ ગાળામાં 3.5 કરોડની ખોટ નોંધાવી હતી.

કંપની આઈપીઓ દ્વારા પ્રાપ્ત ફંડમાંથી 120 નવા આઉટલેટ્સ ખોલવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, તેનો હેતુ વર્કિંગ કેપિટલ ઉભી કરવાનો અને જનરલ કોર્પોરેટ હેતુ માટે પણ ફંડ ઉભું કરવાનો છે. આઈપીઓમાં કંપનીના પ્રમોટર PKS ફેમિલી ટ્રસ્ટ અને વીકેએસ ફેમિલી ટ્રસ્ટ દ્વારા 15 લાખ જેટલા શેર્સ ઓફલોડ કરવામાં આવ્યા છે. આ સિવાય Sequoia Capital દ્વારા પણ 74.98 લાખ શેર્સ ઓફલોડ કરાયા છે.

Share This :

Related Articles

Leave a Comment