બિઝનેસ / Expert's advice: RILમાં હાલ નવી ખરીદી કરાય? બેંક શેર્સમાં કમાણીના કેટલા ચાન્સ?

  • 01-Dec-2021 08:52 AM

 સેન્સેક્સે ગયા મહિને 62,245નો ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં વેચવાલીનું જોર જોવા મળી રહ્યું છે. માર્કેટમાં હાલ ભારે અફરાતફરીનો માહોલ છે, ત્યારે હાલના સમયમાં કયા શેર્સમાં ખરીદી કરી શકાય તેને લઈને પણ રોકાણકારોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ અંગે અમારી સાથી બિઝનેસ ન્યૂઝ ચેનલ ઈટી નાઉ સાથે વાત કરતા કેઆર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના એમડી દેવેન આર. ચોકસીએ રોકાણકારોને કેટલીક સલાહ આપી હતી.

શેરબજારમાં 10 ટકા જેટલું કરેક્શન થઈ ચૂક્યું છે તેવામાં બેંક શેર્સમાં રોકાણ કરવા વિચારી શકાય કે નહીં તે સવાલના જવાબમાં દેવેન ચોક્સીએ જણાવ્યું હતું કે બેંકોની અને ખાસ કરીને સરકારી બેંકોની ધિરાણ કરવાની ક્ષમતા વધી છે. કોર્પોરેટ સેક્ટરની ફાઈનાન્શિયલ ડિમાન્ડમાં પણ વધારો થયો છે. જેનો સીધો ફાયદો બેંકોને મળશે.

વળી, રિટેઈલ ક્રેડિટ પર ફોકસ કરતી બેંકોનો બિઝનેસ પણ આગામી દિવસોમાં વધવાની શક્યતા છે. આ બધાની પોઝિટિવ અસર નાણાકીય વર્ષના સેકન્ડ હાફમાં જોવા મળી શકે છે. આ સ્થિતિમાં જો બજારમાં હાલ ચાલી રહેલું કરેક્શન વધારે લાંબુ ચાલે તો પણ બેંકોના શેર્સમાં હાલ રોકાણ કરવા માટે વિચારી શકાય. કારણકે, હાલના સ્તરેથી બેંકોના શેર્સ 20-25 ટકા વધવાની શક્યતા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ખાસ્સું કરેક્સન જોવાયું છે. તેવામાં તેમાં નવી ખરીદી કરી શકાય કે કેમ તે સવાલના જવાબમાં દેવેન ચોક્સીએ જણાવ્યું હતું કે, કંપની જે અલગ-અલગ બિઝનેસમાં ઓપરેટ કરી રહી છે તેમાં તેનું પર્ફોમન્સ સુધરી રહ્યું છે, અને તેની કુલ આવકમાં નવા બિઝનેસની હિસ્સેદારી પણ વધી રહી છે. આ ઉપરાંત, જિયોના ટેરિફમાં વધારો થતાં તેની આવકમાં પણ મોટો ઉછાળો આવવાની ગણતરી છે. નવા જિયો ફોનથી કંપની વધુ 10 કરોડ કસ્ટમર્સ પ્રાપ્ત કરે તેવું અનુમાન છે.

આમ, સમગ્રતયા જોવા જઈએ તો જિયો તેમજ રિલાયન્સ રિટેઈલનું કામકાજ અને આવક વધી રહ્યા છે. જેનાથી હાલના નાણાકીય વર્ષણાં કંપનીની EBITDA 1.30-1.35 લાખ કરોડ વચ્ચે રહી શકે છે. આગામી બે વર્ષમાં આ આંકડો વધીને 2.50-2.65 લાખ કરોડ પણ થઈ શકે. આમ, રિલાયન્સના ફ્યુચર ગ્રોથના ચાન્સ પણ સારા દેખાઈ હ્યા છે. તેવામાં હાલના સ્તરે તેના શેરમાં નવી ખરીદી કરવા ચોક્કસ વિચારી શકાય.

Disclaier: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. જેમાં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે એનાલિસ્ટના પોતાના છે, જેને IamGujarat.com સાથે કોઈ લેવા-દેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Share This :

Related Articles

Leave a Comment