હેલ્થ / કાર્યક્રમોની શોભા વધારતી લેસર અને હાઈબીમ લાઈટ પાઈલટ્સ માટે માથાનો દુ:ખાવો બની.

  • 01-Dec-2021 10:20 AM

સરકારી કાર્યક્રમ હોય, કોઈ કોર્પોરેટ ફંક્શન હોય કે પછી લગ્ન સમારોહ હોય, હવે ઝગમગ કરતી લાઈટ્સનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. જેટલી મોટી ઈવેન્ટ તેટલી મોટી બીમ લાઈટનો ઉપયોગ આયોજકો કરતા હોય છે. આ લાઈટીંગ જોવામાં ઘણી સુંદર લાગે છે, પ્રોગ્રામની શોભા વધારે છે, પરંતુ સેંકડો પ્રવાસીઓને લઈ જતા અને લાવતા પાઈલટ્સ માટે આ લાઈટ્સ માથાનો દુખાવો બની રહી છે. આ હાઈબીમ લાઈટ્સને કારણે પાઈલટ્સને ઘણી તકલીફ પડતી હોય છે.

સુરત એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરતી વખતે તકલીફ થતી હોવાને કારણે એરપોર્ટ તંત્ર દ્વારા તાજેતરમા જ પોલીસ કંટ્રોલ રુમમાં ફરિયાદ નોંધાવી હતી. બીમને કારણે પાઈલટનું ધ્યાન દોરવાય છે અને એક સેકન્ડ માટે પણ જો પાઈલટ ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો લેન્ડિંગ સમયે દુર્ઘટના થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે અને હવે ન્યુ યર નજીક આવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. આ તમામ કાર્યક્રમોમાં લાઈટ્સનો ઉપયોગ ચોક્કસપણે થશે. જેના કારણે સુરત શહેરની પોલીસ અને એરપોર્ટ તંત્ર ચિંતિત છે.

એક પોલીસ અધિકારી જણાવે છે કે, એરપોર્ટ વિસ્તારના અમુક પોલીસ સ્ટેશનને કંટ્રોલ રુમમાંથી મેસેજ મળ્યો છે કે આ પ્રકારની લાઈટ્સનો ઉપયોગ બંધ કરાવવામાં આવે. આ સ્થિતિમાં પોલીસની ટીમે જે તે સ્થળ પર જઈને લાઈટ્સ બંધ કરાવવી પડે છે. એરપોર્ટ તંત્રનો દાવો છે કે એરપોર્ટની આસપાસ અને લેન્ડિંગના રસ્તા પાસે એવી કોઈ પણ પ્રકારની લાઈટનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ છે જે આકાશમાંથી જોઈ શકાતી હતી.


સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની જણાવે છે કે, સુરત એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં લેસર અને હાઈ બીમ લાઈટના ઉપયોગને કારણે પાઈલટ્સને સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ લાઈટ્સ દુર્ઘટનાનું કારણ બની શકે છે. જ્યારે પ્લેન લેન્ડ થઈ રહ્યું હોય એ પણ ખાસકરીને રાતના સમયે તો પાઈલટને રનવે સ્પષ્ટપણે દેખાય તે જરુરી છે. જેથી લેન્ડિંગ સરળ અને સફળ થાય. આટલા મહત્વના સમય દરમિયાન આ લાઈટ્સ પાઈલટને મૂંઝવણમાં મૂકી શકે છે. આ નિયમને કારણે તો સ્ટ્રીટલાઈટને પણ ઉપરથી કવર કરવામાં આવે છે.

Share This :

Related Articles

Leave a Comment