બિઝનેસ / પોસ્ટ ઓફિસે શરૂ કરી ખાસ સુવિધા, આધાર કાર્ડ-પેન્શન માટે હયાતી જેવા કામ ઘરે બેઠા થશે.

  • 01-Dec-2021 10:20 AM

રાજ્યભરની સ્કૂલોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. નર્સરીથી લઈને કોઈપણ ધોરણમાં એડમિશન લેવાનું હોય ત્યારે આધાર નંબર જરૂરી બની ગયો છે. જેના પગલે વાલીઓએ સંતાનોના આધાર કાર્ડ કઢાવવા માટે દોડધામ શરૂ કરી છે. આવી પરિસ્થિતિમાં પોસ્ટ વિભાગ દ્વારા આધાર કાર્ડની કામગીરી ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે જો કોઈ સોસાયટી કે એપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના આધાર કાર્ડ કઢાવવાના હોય તો જે-તે સોસાયટી અથવા ફ્લેટમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ કેમ્પ કરીને તમામ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી કરશે.

પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનની માહિતી આપતાં પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે સ્થાનિક અખબાર નવગુજરાત સમયને જણાવ્યું કે, નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ કાઢી આપવા ઉપરાંત તેમાં સુધારા-વધારા કરી આપવાનું કામ પણ ચાલુ છે. આધાર કાર્ડને લગતા કામકાજ કરવામાં આવી રહ્યા છે. હાલ મોટા પ્રમાણમાં વાલીઓ પોતાના સંતાનોના આધાર કાર્ડ માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવેશ પ્રક્રિયા માટે આધાર કાર્ડ જરૂરી હોવાથી પોસ્ટ ઓફિસ દ્વારા સોસાયટી કે ફ્લેટમાં જઈને આધાર કાર્ડ કાઢી આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. કોઈ ફ્લેટ કે સોસાયટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહેતા હોય તો તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરે તો પોસ્ટના કર્મચારીઓ જે-તે સોસયાટી અથવા ફ્લેટમાં કેમ્પ કરીને વિદ્યાર્થીઓના આધાર કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરી આપશે. ઉપરાંત ફ્લેટના અન્ય રહીશોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ અપડેટ કરવાના હોય અથવા અન્ય કોઈ સુધારા-વધારા કરવાના હોય તો તેની કામગીરી પણ કરી અપાશે. સોસાયટીના પરિવારોની 10 વર્ષથી નાની દીકરીઓ માટે પોસ્ટ સુકન્યા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને તેના માટેના રોકાણ અંગેની જાગૃતિ અપાશે.

અલ્પેશ શાહે વાત આગળ વધારતા કહ્યું કે, જે લોકોને પેન્શન મળી રહ્યું છે તેમણે દર વર્ષે પોતાની બેંકમાં અને પીએફ ઓફિસમાં પોતાની હયાતીના પુરાવા આપવાના રહેતા હોય છે. હવે જો કોઈ વડીલને બેંકના કે પીએફ વિભાગના ધક્કા ખાવામાંથી મુક્તિ મેળવવી હોય તો તેઓ પોસ્ટ વિભાગનો સંપર્ક કરે તો કર્મચારીઓ તેમના ઘરે જઈને તેમની હયાતીનો ઓનલાઈન પુરાવો જે-તે ઓફિસને પહોંચાડી દેતા હોય છે. જોકે, આ સેવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા 70 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

Share This :

Related Articles

Leave a Comment