ગુજરાત / અમદાવાદમાં મચ્છરજન્ય રોગનો કહેેર, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં થયો વધારો,

  • 01-Dec-2021 10:22 AM

શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગના કેસ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. આ વર્ષના જાન્યુઆરીથી 27 નવેમ્બર સુધીના સમયગાળામાં અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કુલ 2,942 કેસ નોંધાયા હતા. આ સંખ્યા સમગ્ર શહેરમાં 2020માં નોંધાયેલા 432 કેસ કરતાં 581 ટકાના ઉછાળા સાથે અત્યંત વધારે છે.

નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 406 કેસ નોંધાયા હતા, જે ગયા આખા વર્ષની સંખ્યા કરતાં માત્ર 26 કેસ ઓછા હતા. શહેરની હોસ્પિટલમાં આ જ સમયગાળામાં ચિકનગુનિયાના 1,584 કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષના 923 કેસની સામે 71.61 ટકા વધારે હતા.

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે, જાન્યુઆરીથી 27 નવેમ્બર સુધીના સમયમાં મલેરિયાના કેસ શહેરમાં 958 હતા, જ્યારે ગયા વર્ષે 618 કેસ હતા. તેનો અર્થ થયો કે 2020ની સરખામણીમાં 2021માં મલેરિયાના કેસમાં 55 ટકાનો વધારો નોંધાયો હતો.

આ જ સમયગાળામાં શહેરની હોસ્પિટલોમાં ફાલ્સીપેરમના 111 કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે નોંધાયેલા 64 કેસ કરતાં 73.43 ટકા વધુ હતા.

જાન્યુઆરીથી 27 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસ પણ ખાસ્સા વધ્યા હતા, તેવો ખુલાસો અમદાવાદ મહાનગરપાલિકાના આંકડા દ્વારા થાય છે. શહેરમાં જાન્યુઆરીથી 27 નવેમ્બર સુધીમાં ટાઈફોઈડના 1,949 કેસ હતા, તેની સામે 2020માં 1,338 કેસ હતા. હોસ્પિટલોમાં 2020માં 2,072 કેસો સામે આ વર્ષે જાન્યુઆરી-નવેમ્બરના સમયગાળામાં 3,444 ડાયેરિયાના કેસ નોંધાયા હતા. આ વર્ષે અત્યારસુધીમાં કોલેરાના કુલ 64 કેસ નોંધાા હતા. ગયા વર્ષે કોલેરાનો એક પણ કેસ નહોતો.

Share This :

Related Articles

Leave a Comment