સ્પોર્ટ્સ / વિરાટ કોહલી વન-ડેનો કેપ્ટન હશે કે નહીં? રોહિત શર્માને મળી શકે છે મોકો!.

  • 02-Dec-2021 08:27 AM

આ અઠવાડિયામાં જ વિરાટ કોહલી વન-ડે ક્રિકેટ ટીમનો કેપ્ટન રહેશે કે નહીં તે નક્કી થઈ જશે. આગામી સાઉથ આફ્રિકી ટુર માટે ચેતન શર્માની આગેવાનીમાં નેશનલ સિલેક્શન કમિટી ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની પસંદગી કરનાર છે. આ સમયે વિરાટ કોહલીના વન-ડે સુકાનીપદ પર ખતરો મંડરાય રહ્યો છે. કેમ કે, એક ગ્રૃપ રોહિત શર્માને ચાન્સ આપવા માગી રહ્યું છે.

સાઉથ આફ્રિકામાં નવો ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ પર સંકટ ઉભું થયું છે. જો કે, બીસીસીઆઈના ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ શિડ્યુલ મુજબ જ ચાલુ રહેશે, અને સાઉથ આફ્રિકામાં મળી આવેલ નવા વેરિયન્ટને લઈને બીસીસીઆઈ ચાંપતી નજર રાખી રહ્યું છે.

ભારતીય ટીમ માટે વર્ષ 2022નું વર્ષ ટી20 ઈન્ટરનેશનલ મેચો રમવામાં જ પસાર થવાનું છે, કેમ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ પણ રમાનાર છે. અને તેને કારણે ભારતીય ટીમ આગામી વર્ષ માત્ર 9 જ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. અને આગામી સાત મહિનામાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં 3-3 વન-ડે મેચો રમશે, જ્યારે બાકીની 3 મેચો ભારતમાં રમાશે. અને આ વખતે જમ્બો બાયો-બબલ હોવાને કારણે તમામ ફોર્મેટ માટે એક જમ્બો સ્ક્વોડની પસંદગી કરવામાં આવશે. તમામ ફોર્મેટને ધ્યાને લેતાં ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં 20થી 23 ખેલાડીઓ હોઈ શકે છે.

વન-ડે ટીમના સુકાનીપદને લઈને બીસીસીઆઈમાં બે વિચારધારા જોવા મળી રહી છે. એક ગ્રૃપનું માનવું છે કે, ઓછી વન-ડે હોવાને કારણે વિરાટ કોહલીને સુકાનીપદ આપવું જોઈએ. જો કે, અન્ય જૂથનું માનવું છે કે, આ સમય ઓછી વન-ડેનો નથી, પણ ભવિષ્ય માટે ટીમ બનાવવાનો છે. અને 2023નો વર્લ્ડ કપ જે ભારતમાં રમાનાર છે, તેના માટે રોહિતને એક યોગ્ય ટીમ બનાવવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે. જેથી રોહિત શર્માને વન-ડે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માટે આ જૂથ દ્વારા જોર આપવામાં આવી રહ્યું છે.

જો કે, બંને જૂથ દ્વારા પોતપોતાના વિચારો રજૂ કરી દેવામાં આવ્યા છે. પણ વિરાટ કોહલીની ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ લેશે. કોહલી અત્યાર સુધી કોઈપણ મોટી ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી શક્યો નથી જે તેની વિરુદ્ધમાં છે, પણ વન-ડે ફોર્મેટમાં તેનો ટ્રેક રેકોર્ડ ખુબ જ સારો રહ્યો છે.

બુધવારે પીટીઆઈ સાથે વાત કરતાં બીસીસીઆઈના સીનિયર અધિકારીએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવશે. અમારા તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, અને ફક્ત સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. જો અમને સરકાર તરફથી પ્રવાસ રદ કરવાનું કહેવામાં આવશે, તો અમે પ્રવાસ રદ કરી દઈશું. પણ અત્યારે તો અમારે ટીમને સિલેક્ટ કરી તૈયાર રાખવી પડે.

Share This :

Related Articles

Leave a Comment