વર્લ્ડ / શંકાસ્પદ બિમારીનો શિકાર બની રહી છે રખડતી બિલાડીઓ, જીવલેણ છે વાયરસ.

  • 02-Dec-2021 09:34 AM

વડોદરા શહેરમાં શંકાસ્પદ વાયરલ ઈન્ફેક્શન panleukopeniaનો શિકાર બિલાડીઓ બની રહી છે. શહેરના એક પ્રાણીઓના ડોક્ટરના જણાવ્યા અનુસાર, પાછલા બે મહિનામાં આ ઈન્ફેક્શનને કારણે અનેક બિલાડીઓ મૃત્યુ પામી છે. અમુક કેસમાં તો બિલાડીઓનો આખો પરિવાર આ ઈન્ફેક્શનનો શિકાર બન્યો છે.

Panleukopenia એક એવી બીમારી છે જેમાં શરીરમાંથી સફેદ રક્તકણો ઘટી જાય છે. આ બિમારી Parvovirus સમૂહના વાયરસને કારણે થાય છે, જેને Feline panleukopenia(FPLV) કહેવામાં આવે છે. ઉલટી થવી, રુંવાટી શુષ્ક થઈ જવી, આંખ અને નાકમાંથી પાણી વહેવું વગેરે આ બીમારીના લક્ષણો છે. ઉલ્લેખનીય છે કે બિલાડીના જે શોખીન લોકો પોતાના વિસ્તારમાં ફરતી બિલાડીઓને સમયસર ખોરાક આપતા હતા તેમણે જોયું કે બિલાડીઓ ગાયબ થઈ રહી છે.

તાંદલજા વિસ્તારમાં રહેતા મોઈન ભાવનગરી જણાવે છે કે, આ મહિનાની શરુઆતમાં મારા ઘરમાં રહેતી તમામ છ બિલાડીઓ મૃત્યુ પામી. લગભગ અઢી વર્ષ પહેલા એક બિલાડી અમારા ઘરે આવી હતી અને તેણે બચ્ચાને જન્મ આપ્યો હતો. બિલાડી અને તેના પાંચ બચ્ચા અમારી સાથે રહેતા હતા, પરંતુ 12 જ દિવસના ગાળામાં તમામના મૃત્યુ થયા.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કેસ માત્ર તાંદલજામાં જ નહીં, અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. તરસાલી, માંડવી અને મકરપુરામાં પણ આ કેસ સામે આવ્યા છે. પ્રાણીઓની સારવાર માટે કાર્યરત કરુણા કેન્દ્રના કો-ઓર્ડિનેટર જણાવે છે કે, લગભગ બે મહિનાના સમયગાળામાં આ ઈન્ફેક્શન વધ્યું છે. અમારી ટીમના સભ્યો આ બાબતે જાગૃત છે. તાંદલજા વિસ્તારમા રહેતા અમરિન હુસૈન મોમિન જણાવે છે કે, મારા ઘરે સાત બિલાડીઓ હતી. આ બિમારીને કારણે તેમના મૃત્યુ થયા. જ્યારે આ થયું ત્યારે હું ટૂર પર હતી. ડોક્ટર્સ કહે છે કે આ પ્રકારના કેસ અન્ય લોકો સાથે પણ બન્યા છે.

પ્રાણીઓના ડોક્ટર સાગર ખિમાની જણાવે છે કે, FPL જેવા લક્ષણો ધરાવતા 20-30 કેસ મારા ધ્યાનમાં આવ્યા છે. પરંતુ કોઈ ચોક્કસ ટેસ્ટ કરવામાં આવ્યા નથી, કારણકે આ ટેસ્ટ મોંઘા હોય છે અને બીમારીનો શિકાર બનતી મોટાભાગની બિલાડી પાલતુ નથી હોતી. જે બિલાડીઓ પાલતુ હોય છે તેમને FPLV માટે રસી આપવામાં આવે છે. નોંધનીય બાબત છે કે આ વાયરસનો શિકાર બનતી મોટા ભાગની બિલાડીઓની ઉંમર ઘણી ઓછી હોય છે. આ વાયરસ માત્ર બિલાડીઓમાં જ જોવા મળે છે, તે માણસોને નુકસાન નથી પહોંચાડતો.

Share This :

Related Articles

Leave a Comment