ગુજરાત / પોલેન્ડમાં નોકરી મેળવવાની લાલચમાં અમદાવાદી ઈન્ટિરિયર ડિઝાઈનરે ગુમાવ્યા 6 લાખ રૂપિયા.

  • 02-Dec-2021 09:46 AM

આંબાવાડી ઈન્ટિરિયર ડિઝાઈનર અને કન્સ્ટ્રક્શન એક્સપર્ટે કથિત પોલિશ કંપનીના પ્રતિનિધિએ નોકરીની લાલચ આપી 6 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ નોંધાવી હતી.

સ્વીટ હોમ સોસાયટીમાં રહેતા 54 વર્ષના બિમલ શાહે મંગળવારે પોલીસને જણાવ્યું હતું કે, તેમને ત્રીજી ઓગસ્ટના રોજ પોલેન્ડની એક કંપનીમાંથી ઈ-મેઈલ દ્વારા નોકરીની ઓફર મળી હતી. તે સમયે કોરોના મહામારીના કારણે તેઓ નોકરી ગુમાવી બેઠા હતા.

બિમલ શાહે ઈ-મેઈલમાં આપવામાં આવેલુ ફોર્મ ભર્યું હતું અને આઠ ઓગસ્ટે પોતાનો બાયોડેટા મોકલ્યો હતો. નવમી ઓગસ્ટે કંપનીના એક પ્રતિનિધિએ તેમને ફોન કર્યો હતો, જેણે તેમને પ્રોજેક્ટ મેનેજરની જોબ ઓફર કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. શાહને તરત જ ઓફર લેટર મળ્યો હતો, જે તેમણે સાઈન કર્યો હતો અને કંપનીને મોકલી આપ્યો હતો.

ત્યારબાદ શાહને બીજો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં પેમેન્ટ લિંક હતી. મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે વિઝા ફી તરીકે 34,660 રૂપિયા ચૂકવવા પડશે. તેમણે પેમેન્ટ કરવા માટે તેમની દીકરીના અકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.

20મી ઓગસ્ટના રોજ, શાહને વર્ક પરમિટ ફી તરીકે 89,440 રૂપિયા માગતો બીજો ઈ-મેઈલ મળ્યો હતો, તે પણ તેમણે ચૂકવ્યા હતા.
એક અઠવાડિયા બાદ, તેમને વધુ એક ઈ-મેઈલ મળ્યો હતો. જેમા તેમને પોલેન્ડ જવા માટે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ફી તરીકે 2,19,976 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ રકમ મહારાષ્ટ્રના અકાઉન્ટમાં ચૂકવવાની હતી અને શાહે ફરીથી તે ચૂકવ્યા હતા.

31મી ઓગસ્ટે, એક મેઈલ દ્વારા પોલેન્ડમાં બેન્ક અકાઉન્ટ ખોલવા માટે ફોર્મ ભરવાનું કહ્યું હતું. આ માટે પણ 2,39,057 રૂપિયા ડિપોઝિટ કરવાનું કહ્યુ હતું. તેમણે આદેશનું પાલન કર્યું હતું.

પહેલી સપ્ટેમ્બરે, શાહને વધુ રૂપિયાની માગ કરતો ઈ-મેઈલ મળ્યો હતો પરંતુ બાદમાં તેમને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને કેસમાં તપાસ કરવાની અરજી કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે મંગળવારે છેતરપિંડી અને વિશ્વાસઘાતની જોગવાઈઓ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આ સિવાય ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ પણ લગાવવામાં આવી છે.

Share This :

Related Articles

Leave a Comment