સ્પોર્ટ્સ / ઈંગ્લિશ બોલરે ચેતેશ્વર પૂજારાની માફી માંગી, જાણો શું છે કારણ.

  • 19-Nov-2021 08:51 AM

ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સમરસેટના ઝડપી બોલર જેક બ્રૂક્સે ગુરૂવારે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની માફી માંગી છે. પૂજારા જ્યારે યોર્કશાયર માટે રમી રહ્યો હતો તે દરમિયાન તેનું 'સ્ટીવ' નામ પાડવામાં પોતાની ભૂમિકા બદલ તેણે માફી માંગી છે.

2018માં સમરસેટમાં જોડાયેલા બ્રૂક્સે 2012માં કરેલી વંશીય ટ્વિટ્સ માટે પણ માફી માંગી છે. અઝીમ રફિકના યોર્કશાયર વિરુદ્ધ ઈન્સ્ટિટ્યુશનલ રેસિસિઝમના આરોપો અને તેની તપાસને લઈને ઈંગ્લેન્ડ ક્રિકેટ વિવાદોમાં ઘેરાયું છે. બ્રુક્સ પર આરોપ છે કે તેણે ઈંગ્લેન્ડના ઝડપી બોલર ટાયમલ મિલ્સ અને ઓક્સફોર્ડશાયર માટે ઓછા સમય માટે કાઉન્ટી ક્રિકેટ રમનારા સ્ટુઅર્ટ લોડૈટ વિરુદ્ધ વંશીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સમરસેટ તે આરોપોની તપાસ કરી રહ્યું છે.

સમરસેટ ક્લબની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં બ્રૂક્સે કહ્યું છે કે, અઝીમ રફિકે આ સપ્તાહે સાંસદોને આપેલા નિવેદનમાં મારા નામના સંદર્ભમાં હું કહેવા ઈચ્છું છું કે, સ્ટીવ નામનો ઉપયોગ કેટલાક એવા લોકો સાથે સંબંધિત છે જેનું ઉચ્ચારણ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. ભૂતકાળમાં આ ડ્રેસિંગ રૂમનો ભાગ રહ્યો છે. તેનો કોઈ પંથ કે વંશ સાથે કોઈ લેવા દેવા નથી. આ પ્રકારનું ઉપનામ આપવું સામાન્ય વાત હતી.

તેણે કહ્યું હતું કે, હું આ નામનો ઉપયોગ કરવાની વાતનો સ્વીકાર કરું છું અને હવે માનું છું કે આવું કરવું અપમાનજનક અને અયોગ્ય હતું. મેં ચેતેશ્વર પૂજારાનો સંપર્ક કર્યો અને તેના અને તેના પરિવારના કોઈ પણ અપમાન બદલ માફી માંગી છે. તે સમયે હું આને વંશીય ભેદભાવ તરીકે જોતો ન હતો પરંતુ હવે હું સ્વીકારું છું કે આ સ્વીકાર્ય ન હતું.

પૂજારા 2015 અને 2018માં યોર્કશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. બ્રૂક્સે તે પણ કહ્યું હતું કે 2012માં તેણે જે બે ટ્વિટ્સ કરી હતી તેમાં ઉપયોગમાં લેવામાં આવેલી ભાષા અયોગ્ય અને અસ્વીકાર્ય હતી.

Share This :

Related Articles

Leave a Comment