બિઝનેસ / Sapphire Foodsનું થયું લિસ્ટિંગઃ તેના શેર્સ ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા જોઈએ?

  • 19-Nov-2021 09:08 AM

પેટીએમ ઉપરાંત ગુરૂવારે સેફાયર ફૂડ્સનું પણ લિસ્ટિંગ થયું હતું. શરૂઆતમાં તેનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈઝ કરતા વધારે રહ્યું હતું પરંતુ બાદમાં તે ઈસ્યુ પ્રાઈઝ કરતા 13 ટકા નીચે 1,160 રૂપિયા પર પહોંચી ગયો હતો. જેના કારણે રોકાણકારો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા કે આ સ્ટોક હવે આગામી દિવસોમાં કઈ દિશામાં જશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તેનું લિસ્ટિંગ 1,350 રૂપિયા પર થયું હતું જે તેની ઈસ્યુ પ્રાઈઝ 1,180 કરતા 14.4 ટકા વધારે હતી. જ્યારે બીએસઈ પર તે 11 ટકા ઉછાળા સાથે 1,311 પર લિસ્ટેડ થયો હતો. આ કંપની ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં ક્યુએસઆરએસ ઓપરેટ કરે છે જેમાં કેએફસી, પિઝા હટ અને ટેકો બેલ્સ સામેલ છે.

રિલાયન્સ સિક્યુરિટીઝ ખાતે સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિકાસ જૈને જણાવ્યું હતું કે, વર્તમાન કિંમતે રોકાણકારોએ થોડો નફો બૂક કરી લેવો જોઈએ કેમ કે હાલમાં માર્કેટ પણ નબળું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, માર્કેટમાં નબળાઈના કારણે તેમાં હજી થોડો ઘટાડો થઈ શકે છે. રોકાણકારો તેની કિંમત ઈસ્યુ પ્રાઈઝની આસપાસ આવે ત્યારે પોઝિશન લઈ શકે છે. જોકે, તેમણે તેને લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.

સેફાયર ફૂડ્સનો આઈપીઓ 9-11 નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ થયો હતો. ઈસ્યુ પ્રાઈઝ 1,120-1,180 રૂપિયા પ્રતિ શેર હતી. મલ્ટી ફ્રેન્ચાઈઝી ક્યુએસઆર ઓપરેટરે આ આઈપીઓ દ્વારા 2,073 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.

અમરજીત મૌર્ય, એવીપી મિડ કેપ્સ, એન્જલ વને જણાવ્યું હતું કે, કંપનીના બિઝનેસ મોડલને જોતા અમે આ સ્ટોકને લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની ભલામણ કરીએ છીએ. જ્યારે સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, તેના હરીફોની તુલનામાં કંપનીની વેલ્યુએશન ઘણી સારી છે અને તેની બ્રાન્ડ પણ ઘણી મજબૂત છે. એગ્રેસિવ રોકાણકારો તેને લાંબા ગાળા માટે હોલ્ડ કરી શકે છે. જ્યારે શોર્ટ ટર્મ ટ્રેડર્સ 1,500ના ટાર્ગેટ પર 1,100ના સ્ટોપલોસ સાથે તેને રાખી શકે છે.

મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સના અખિલ રાઠીએ જણાવ્યું હતું કે, સેફાયર ફૂડ્સની કેએફસી અને પિઝા હટના સ્ટોરની સાઈઝ ઘટાડવાની રણનીતિ કંપની માટે ઘણી હકારાત્મક છે. આ ઉપરાંત કંપની નવા સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. માર્કેટમાં કંપનીની મજબૂત હાજરી અને નવા રેસ્ટોરન્ટ ઈકોનોમિક મોડલના આધારે રાઠીએ આ સ્ટોકને લાંબા ગાળા સુધી હોલ્ડ કરવાની સલાહ આપી છે.

Share This :

Related Articles

Leave a Comment