હેલ્થ / Covid-19 Precaution Dose: કોવિડ-19 પ્રિકોશન ડોઝ શું છે અને કઈ વેક્સિનનો ઉપયોગ થશે? જાણો મહત્વની બાબતો.

  • 27-Dec-2021 09:39 AM

આગામી 10 જાન્યુઆરીથી આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓ, અન્ય ગંભીર બીમારીઓથી ગ્રસ્ત 60 વર્ષથી વધુ વયનાને સાવચેતી તરીકે રસીના ડોઝ (Precaution Dose) આપવાની શરૂઆત થશે. એવામાં જ્યારે દુનિયા કોવિડ મહામારીની (Covid pandemic) ત્રીજી લહેર જોઈ રહી છે, ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ પણ રાજ્યો દ્વારા પ્રતિબંધિત પગલાં લાદવા સાથે વધી રહ્યા છે.

સાર્સ-કોવ-2 (Sars-Cov-2)ના ઊભરતા વેરિઅન્ટ સામે રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત કરવા માટે બૂસ્ટર ડોઝનો (Booster Dose) વિચાર દુનિયામાં પહેલા જ રજૂ કરવામાં આવ્યો છે અને ઘણાં દેશોમાં તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. જોકે, ભારતમાં તેને બૂસ્ટર ડોઝ નથી કહેવામાં આવી રહ્યો. 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી, જેમાં તેમણે ડોઝને પ્રિકોશન ડોઝ (Precaution Dose) કહ્યો.

પ્રિકોશન ડોઝ વિશે આપણે શું જાણીએ છીએ?

1. ન્યૂઝ એજન્સી એએનઆઈએ નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડો આરએસ શર્માના નિવેદન મુજબ જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવા માટે અન્ય ગંભીર રોગો સાથેના પ્રમાણપત્રની જરૂર પડશે.

2. સરકાર દ્વારા અન્ય ગંભીર બીમારીઓની એ યાદીનો ઉપયોગ કરવાની શક્યતા છે જેનું પાલન આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થવા પર કરવામાં આવ્યું હતું.

3. PM મોદીએ શનિવારે તેમના ભાષણમાં કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને તેમના ડૉક્ટરોની સલાહ લીધા પછી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

4. અહેવાલો અનુસાર, બીજા ડોઝ અને આ ત્રીજા પ્રિકોશન ડોઝ વચ્ચે 9 થી 12 મહિનાનું અંતર હોઈ શકે છે.

5. આ પ્રિકોશન ડોઝ માટે કઈ રસીનો ઉપયોગ કરવામાં આવશે? રિપોર્ટ્સમાં મળેલી માહિતી મુજબ કહેવામાં આવ્યું છે કે નિષ્ણાતો સાથે પરામર્શ કરીને આગામી થોડા દિવસોમાં વેક્સીનને લઈને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આરોગ્ય નિષ્ણાતોનો સામાન્ય અભિપ્રાય એ છે કે ત્રીજો ડોઝ અથવા પ્રિકોશન ડોઝ પ્રથમ બે ડોઝ કરતા અલગ હોવો જોઈએ. પરંતુ સરકારે હજુ સુધી મિક્સ એન્ડ મેચ પોલિસી જાહેર કરી નથી.

6. આરએસ શર્માએ કહ્યું કે લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ પ્રમાણપત્ર આપવામાં આવશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે જો સરકાર ત્રીજા ડોઝ માટે મિક્સ એન્ડ મેચ પોલિસી અપનાવે છે, તો સરકારે કોવેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ કારણ કે મોટાભાગના લોકોએ કોવિશિલ્ડને પ્રથમ બે ડોઝ તરીકે લીધું છે.

ત્રીજા ડોઝ અથવા બૂસ્ટર ડોઝનો હેતુ શું છે?

ત્રીજા ડોઝનો હેતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે, જે રસીકરણ અથવા પાછલા સંક્રમણના 7-8 મહિના પછી ઓછી થઈ જાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ SARS-CoV-2ના ઉભરતા વેરિઅન્ટ સામે વર્ષમાં એકવાર બૂસ્ટર ડોઝની પણ હિમાયત કરી છે. વૈશ્વિક રસીકરણની સ્થિતિને જોતાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) બૂસ્ટર ડોઝ માટે બહુ ઉત્સાહી નથી, કારણ કે ઘણા દેશો હજુ પણ 40% રસીકરણના લક્ષ્ય સુધી પહોંચી શક્યું નથી.

Share This :

Related Articles

Leave a Comment