સ્પોર્ટ્સ / બીજી ટી20 મેચમાં જીત સાથે ભારતનો શ્રેણી વિજય.

  • 20-Nov-2021 08:44 AM

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કર્યાં બાદ ઘરેલુ ટી20 સીરિઝમાં ભારતીય ટીમ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. રાંચીમાં રમાઈ રહેલ બીજી ટી20 મેચમાં પણ સતત બીજી જીત હાંસલ કરતાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટોથી ભવ્ય જીત મેળવી છે. મેચના હીરો રહેલ કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીએ ભારતને શાનદાર જીત અપાવી હતી. સતત બીજી મેચમાં જીત સાથે 3 મેચની ટી20 સીરિઝમાં ભારતે 2-0થી કબ્જો જમાવી દીધો છે અને ભારતની નજર હવે ક્લિન સ્વીપ પર રહેશે.


બીજી ટી20 સીરિઝમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરના અંતે 6 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. 153 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને રાહુલની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. અને અંતે ઋષભ પંતે સતત બે સિક્સ ફટકારીને શાનદાર જીત અપાવી હતી. ભારતે 17.2 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 155 રન બનાવીને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી.

ભારતની ઈનિંગ્સઃ

ભારત તરફથી કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. કેએલ રાહુલે 49 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં 1 ચોગ્ગા અને પાંચ છગ્ગાની વિસ્ફોટક ઈનિંગ રમતાં 55 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલે 117 રનોની પાર્ટનરશિપ કરી હતી. જો કે, આ મેચમાં સૂર્યકુમાર યાદવ 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તો ઋષભ પંતે સતત બે બોલમાં બે સિક્સ ફટકારીને ભારતને જીત અપાવી હતી. વેંકટેશ ઐય્યર અને ઋષભ પંત 12-12 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન ટીમ સાઉદીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

 ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સઃ

ટોસ હાર્યાં બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની ઓપનિંગ જોડી માર્ટિન ગુપ્તિલ અને ડેરેલ મિશેલે સારી શરૂઆત અપાવી હતી. ગુપ્તિલે 15 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રનોની ઈનિંગ્સ રમી હતી, જ્યારે મિશેલે 28 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. બાદમાં ચેપમેને 21 રનોની ઈનિંગ્સ રમી હતી. તો ગ્લેન ફિલિપ્સે 21 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 34 રન ફટકાર્યા હતા. બાદમાં સીફર્ટ 13 રન બનાવીને તો વર્લ્ડ કપમાં વિસ્ફોટક અંદાજ દેખાડનાર નીશમ 3 રન બનાવીને આઉટ થયો હતો. 20 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડની ટીમ 6 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. ભારત તરફથી હર્ષલ પટેલે 2 વિકેટ ઝટપી હતી.

ભારતીય ટીમઃ કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકીપર), વેંકટેશ ઐય્યર, અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ.

ન્યૂઝીલેન્ડની ટીમઃ માર્ટિન ગુપ્તિલ, ડેરેલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટીમ સીફર્ટ (વિકેટકીપર), જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટીમ સાઉદી (કેપ્ટન), ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ.

Share This :

Related Articles

Leave a Comment