રાજકારણ / વર્ષનો સૌથી મોટો જમીનનો સોદો: 235 કરોડમાં વેચાઈ 10 એકર જમીન.

  • 30-Dec-2021 09:16 AM

2021માં દેશમાં જમીનના સૌથી મોટા સોદામાં 10 એકર જમીનનું 235 કરોડ રૂપિયામાં વેચાણ થયું છે. આ જમીન હૈદરાબાદના ઉત્તર-પશ્ચિમ રેસિડેન્શિયલ હબ કુકાટપલ્લી ખાતે આવેલી છે જે બહુ મોકાની જગ્યા ગણાય છે. હૈદરાબાદ સ્થિત રિયલ્ટર અશોકા બિલ્ડર્સ ઇન્ડિયા પ્રા. લિ. (ASBL)એ આ જમીન રૂ.235 કરોડમાં ખરીદી છે.

આ લેન્ડ પાર્સલની માલિકી ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ હસ્તક હતી. તેની 10 એકર જમીનના ટૂકડા માટે બિડિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં અશોકા બિલ્ડર્સે સૌથી ઊંચી બિડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોકા બિલ્ડર્સ અહીં મલ્ટિ-યુઝ ડેવલપમેન્ટ કરવાની યોજના ધરાવે છે. કંપની અહીં 2025 સુધીમાં એક પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અને એ-ગ્રેડનું કોમર્શિયલ સ્પેસ વિકસાવવા માંગે છે.

ASBLના સીઈઓ અજિતેશ કોરુપોલુએ જણાવ્યું હતું કે, “અમે મિક્સ્ડ યુઝ કોમ્યુનિટીને વિકસાવવા માટે વધુ રૂ.250 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ. તેનાથી આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું વેલ્યુએશન લગભગ 600 કરોડ રૂપિયા સુધી પહોંચશે.”

આ સોદાના કારણે કંપનીને હૈદરાબાદમાં પોતાની કામગીરીના ડાઈવર્સિફિકેશનમાં મદદ મળશે.

કોરુપોલુએ જણાવ્યું હતું કે, “કંપનીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તેનાથી અમને હૈદરાબાદમાં દરેક બાજુ અમારી હાજરીને ડાઈવર્સીફાઈ કરવામાં મદદ મળશે. અમે સાઉથ-વેસ્ટ અને ઇસ્ટમાં પહેલેથી હાજરી ધરાવીએ છીએ. કુકટપલ્લીમાં હાજરીથી ASBL હવે ઉત્તર-પશ્ચિમમાં પણ પોતાની હાજરી વધારી શકશે. બીજું, કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં આ અમારું પ્રથમ સાહસ હશે. આ ઉપરાંત તાજેતરમાં નવા બંધાયેલા ફ્લાયઓવર, મેટ્રો રેલ અને બીજા સાધનોના કારણે પરિવહનની સુવિધા વધી છે. તેનાથી કુકટપલ્લીની કનેક્ટિવિટીમાં ઘણો સુધારો થયો છે. તેના કારણે રોકાણ માટે આ એક આકર્ષક વિકલ્પ બનશે.”

JLL ખાતે તેલંગણા અને આંધ્રપ્રદેશના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પટનાયકે જણાવ્યું કે, “જમીનના એક જ ટુકડા માટે આ સૌથી મોટા સોદાએ સાબિત કરી દીધું કે હૈદરાબાદ એ કોમર્શિયલ તથા રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માટે સૌથી ફેવરિટ માર્કેટ છે.”

પટનાયકે ઉમેર્યું કે, “2021ના ત્રીજા ક્વાર્ટરમાં હૈદરાબાદમાં રિયલ એસ્ટેટ માર્કેટની રિકવરીને ટેકો આપવામાં ખરીદદારોનો આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો છે. આ સમયગાળામાં વેચાણ અને લોન્ચનું તંદુરસ્ત પ્રમાણ જોવા મળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમાં વધુ પ્રવૃત્તિ થઈ છે. કોવિડ અગાઉ જે આંકડા જોવા મળતા હતા તે ફરી એક વખત જોવા મળી રહ્યા છે.”

Share This :

Related Articles

Leave a Comment