રાજકારણ / 8 શહેરોમાં 7 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ, રસી લીધી નહીં હોય તો સરકારી કચેરીમાં નો એન્ટ્રી.

  • 31-Dec-2021 08:49 AM

ગુજરાતમાં જાણે કે કોરોનાીન ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોઈ તેવાં એંધાણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ થતાં કેસો 500ને પાર પહોંચી ગયા છે. તેવામાં વધતાં જતાં કેસોને લઈને રાજ્ય સરકાર પણ ચિતિંત છે. અને હવે રાજ્ય સરકાર દ્વારા 8 શહેરોમાં લાગુ કરવામાં આવેલ નાઈટ કર્ફ્યુનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. હવે આઠ શહેરોમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો લાગુ રહેશે. સાથે જ સરકારી કચેરીમાં હવે પ્રવેશ માટે રસીના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે, તેના વગર લોકોને સરકારી કચેરીઓમાં પ્રવેશ નહીં મળે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાહેરાત કરી હતી.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, આગામી સાત જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર સુધી જે નિયમો હતા, તે 7 જાન્યુઆરી સુધી યથાવત રહેશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બંને ડોઝ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા નહીં હોય તેઓને સરકારી કચેરીઓમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ ઉપરાંત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે માહિતી આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજ્યમાં 7800 વેન્ટિલેટર બેડ, આઈસીયુ 15900 બેડ, ઓક્સિજન બેડ 55084, અને કુલ બેડની સંખ્યા 1 લાખ 10 હજાર હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું કે બાળકો માટે એક હજાર વેન્ટિલેટર બેડ તૈયાર છે. તમામ કોવિડ હોસ્પિટલમાં 10થી 20 ટકા બેડ બાળકો માટે રખાયા છે. ઓક્સિજનની ક્ષમતા વધારીને 1600 મેટ્રિક ટન કરવામાં આવી છે.


આરોગ્ય મંત્રીએ કહ્યું કે, જિલ્લા અને શહેરોમાં જરૂરિયાતના આધારે હંગામી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની સરકારની તૈયારીઓ છે. GERMIS દ્વારા હોસ્પિટલમાં પથારીની ઉપલબ્ધતાની રિયલ ટાઈમ મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ઉપલબ્ધ છે. હાલ રાજ્યમાં 62 સરકારી અને 75 ખાનગી આરટીપીસીઆર લેબ ઉપલબ્ધ છે.

ઓમિક્રોન વેરિયન્ટના ફફડાટ વચ્ચે મંત્રીએ જણાવ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી. ઓમિક્રોનના 97 દર્દીઓમાંથી 41 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ઓમિક્રોનના દર્દીઓ ખુબ ઝડપથી સાજા થઈ રહ્યા છે. આ સાથે તેઓએ દાવો કર્યો કે, ઓમિક્રોનમાં સંક્રમણનો દર વધારે છે, પણ ગંભીરતા અને મૃત્યુદર ઘણો ઓછો છે.

આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટને લઈ તેઓએ કહ્યું કે, વાયબ્રન્ટમાં હાજર રહેનારા કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. અને રસીના બંને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. બહારથી આવતાં મુલાકાતીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, તેમના બંને ડોઝના રસી સર્ટિફિકેટ ચેક કરાશે અને બાદમાં જ સમિટમાં પ્રવેશ આપવામાં આવશે.
 

Share This :

Related Articles

Leave a Comment