બિઝનેસ / 2021માં કમાણીમાં કોણ આગળ રહ્યું? મુકેશ અંબાણી કે પછી ગૌતમ અદાણી?

  • 01-Jan-2022 08:45 AM

સમાપ્ત થયેલા કેલેન્ડર વર્ષમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓએ પોતાની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક વર્ષની અંદર 41.5 અબજ ડોલરનો જંગી ઉછાળો થયો હતો. આ સમયગાળામાં વિપ્રોના અઝીમ પ્રેમજીની સંપત્તિમાં મુકેશ અંબાણી કરતા પણ વધુ અબજ ડોલરનો વધારો નોંધાયો હતો.
જોકે, બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સમાં ટોચના 10 ધનાઢ્યોમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિનો સમાવેશ થયો નથી.
ગૌતમ અદાણીની સંપત્તિ છેલ્લે 75.3 અબજ ડોલર નોંધાઈ હતી. એટલે કે એક વર્ષની અંદર 41.5 અબજ ડોલરનો વધારો થયો હતો. બીજી તરફ ઓઇલથી લઇને ટેલિકોમ સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા મુકેશ અંબાણીની સંપત્તિ એક વર્ષમાં 13 અબજ ડોલર વધી હતી. અંબાણીની સંપત્તિ અત્યારે 89.7 અબજ ડોલર આંકવામાં આવે છે.

અદાણી જૂથની ઘણી લિસ્ટેડ કંપનીઓએ તેમના રોકાણકારોને સોલિડ રિટર્ન આપ્યું હતું. વર્ષ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં 245 ટકાનો ઉછાળો આવ્યો હતો. બીજી તરફ અદાણી ટ્રાન્સમિશનનો શેર 288 ટકા ઉછળ્યો હતો. એક વર્ષના ગાળામાં અદાણી ટોટલ ગેસના શેરમાં 351.42 ટકાનો વધારો થયો હતો.

વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 18.6 ટકા જેટલું વળતર મળ્યું હતું જ્યારે સેન્સેક્સે એક વર્ષમાં 21 ટકા વળતર આપ્યું છે. એટલે કે સેન્સેક્સ કરતા રિલાયન્સમાં ઓછું વળતર મળ્યું છે. આમ છતાં સંપત્તિની દૃષ્ટિએ મુકેશ અંબાણી અત્યારે ભારતમાં પ્રથમ ક્રમે અને વિશ્વમાં 12મા સ્થાને છે. મુકેશ અંબાણી 89 અબજ ડોલરની અને અદાણી 75.3 અબજ ડોલરની મિલ્કત ધરાવે છે.

અઝીમ પ્રેમજીની સંપત્તિ 41.2 અબજ ડોલર થઈ છે જેમાં એક વર્ષમાં 15.8 અબજ ડોલરનો વધારો થયો છે. 2021માં અન્ય એક ઉદ્યોગપતિ રાધાકિશન દામાણીની સંપત્તિ 9.51 અબજ ડોલર વધીને 24.4 અબજ ડોલર થઈ છે. દામાણી ડીમાર્ટ સુપરમાર્કેટ ચેઈનના માલિક છે.

વર્ષ દરમિયાન વિપ્રોના શેરમાં 84 ટકાનો વધારો થયો હતો જ્યારે દામાણીની એવન્યુ સુપરમાર્ટના શેરમાં 66 ટકાનો ઉછાળો આવ્યો છે. એચસીએલ ટેકના શિવ નાદરની સંપત્તિ એક વર્ષમાં 8.40 અબજ ડોલર વધીને 32.5 અબજ ડોલર નોંધાઈ હતી. તેમની કંપનીના શેરમાં આ વર્ષમાં 39 ટકાનો વધારો નોંધાયો છે.

આ ઉપરાંત સાવિત્રી જિંદાલની સંપત્તિ 5.82 અબજ ડોલર અને કુમાર મંગલમ બિરલાની સંપત્તિ 5.02 અબજ ડોલર વધી હતી. સન ફાર્માના દિલીપ સંઘવીની સંપત્તિમાં પણ એક વર્ષની અંદર 4.28 અબજ ડોલરનો વધારો થયો હતો.

Share This :

Related Articles

Leave a Comment