રાજકારણ / આતંકી સંગઠનો વચ્ચે લડાઈઃ તાલિબાને ISISના નેતાને આપી મોતની સજા

  • 28-Sep-2021 08:39 AM

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન અને આઈએસઆઈએસ વચ્ચે લડાઈ ચાલી રહી છે. તાલિબાને ISIS-Kના ભૂતપૂર્વ નેતા અબુ ઓમર ખોરાસનીને મોતની સજા આપી દીધી છે. અબુ ઓમર અફઘાનિસ્તાનમાં આઈએસનો મહત્વનો નેતા હતો. ગત મહિને અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટ પાછળ અબુ ઓમરનો હાથ હતો. આ બોમ્બ વિસ્ફોટમાં 180 જેટલા લોકો માર્યા ગયા હતા.
 

ધ સનના અહેવાલ પ્રમાણે તાલિબાન સત્તામાં આવ્યા બાદ ખોરાસનીનું ભાવિ અચોક્કસ બની ગયું હતું અને તેને પુલ-ઈ-ચારખી જેલમાં રાખવામાં આવ્યો હતો. ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જેલોમાંથી હજારો કેદીઓ ભાગી ગયા હતા. જેમાં ખોરાસની પણ ભાગી ગયો હતો.

પરંતુ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે તાલિબાને તેને મોતની સજા આપી હતી. ખોરાસની ઝિયા ઉલ હક તરીકે પણ જાણીતો હતો. અમેરિકા અને અફઘાનિસ્તાની લશ્કરે મે 2020માં કાબુલની બહાર એક ઘરમાંથી તેની ધરપકડ કરી હતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું હતું કે તેણે તેના મૃત્યુના બે દિવસ પહેલા જ તેનો ઈન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો.

તાલિબાન અને આઈએસઆઈએસ વચ્ચે લડાઈ ચાલી રહી હોવા છતાં તેણે આશા વ્યક્ત કરી હતી કે તાલિબાન તેને છોડી મૂકશે. તેણે કહ્યું હતું કે, જો તેઓ સારા મુસ્લિમ હશે તો મને મુક્ત કરી દેશે. રિપોર્ટ પ્રમાણે તેને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો અને મારી નાંખવામાં આવ્યો હતો.

આ દ્વારા તાલિબાને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તે આઈએસઆઈએસ સાથે કામકરશે નહીં. ISIS-Kની સ્થાપના 2015માં થઈ હતી. તેણે અલ-કાયદા દ્વારા હસ્તગત કરવામાં આવેલા વિસ્તારો કબજે કર્યા હતા. આ આતંકી સંગઠનમાં વિદેશી જેહાદીઓ મોટા પ્રમાણમાં હતા જેઓ ઈરાક અને સિરીયામાં પરાજય બાદ અહીં આવ્યા હતા. એપ્રિલ 2017માં અબ્દુલ હસીબ લોગારીના માર્યા ગયા બાદ ખોરાસની સંગઠનનો વડો બન્યો હતો.

Share This :

Related Articles

Leave a Comment