ગુજરાત / ફરી લોકડાઉન આવશે? લોકોએ બિસ્કિટ, તેલ, કરિયાણાની ખરીદી વધારી દીધી.

  • 10-Jan-2022 10:32 AM

દેશમાં કોવિડના કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્ય સરકારો ધીમે ધીમે પ્રતિબંધ વધારી રહી છે. ખાસ કરીને કરફ્યુના કલાકો વધી ગયા છે. ઘણા લોકોને હવે લોકડાઉનની યાદ આવે છે જ્યારે દેશમાં તમામ આવશ્યક ચીજોનો સપ્લાય ઠપ થઈ ગયો હતો અને ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

આ વખતે પણ લોકડાઉન આવશે તો તકલીફ પડશે તેમ વિચારીને ઘણા લોકો કરિયાણાનો સામાન ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે. FMCG કંપનીઓના આંકડા દર્શાવે છે કે લોકોએ કરિયાણાની અને ખાણી-પીણીની ચીજોની ઓનલાઈન ખરીદી વધારી દીધી છે.

કોવિડના કેસ વધતા જ છેલ્લા બે સપ્તાહમાં FMCG કંપનીઓની ડિમાન્ડ વધી છે. પારલે, ડાબર ઇન્ડિયા અને આઇટીસી જેવી કંપનીઓ પહેલેથી ઇનપુટના ભાવ વધારાનો સામનો કરી રહી છે ત્યારે તેમણે હવે કાચી સામગ્રીનો વધુ સ્ટોક રાખ્યો છે. છેલ્લી બે લહેરમાંથી કંપનીઓ તથા સામાન્ય લોકોને મહત્ત્વનો પાઠ શીખવા મળ્યો છે.

FMCG ઉત્પાદકો માને છે કે કોવિડના કેસમાં વધારો તથા કેટલાક રાજ્યોમાં મુકાયેલા નિયંત્રણોથી કેટલીક પ્રોડક્ટની માંગ વધશે. છેલ્લા કેટલાક મહિનાથી ઘર વપરાશની ચીજો તથા રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી ચીજોની માંગમાં રિકવરી આવી છે.

પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું કે છેલ્લા બે સપ્તાહમાં માર્કેટમાં ડિમાન્ડમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. ગ્રાહકો અત્યારે ઘરની બહાર જવા માંગતા નથી તેથી તેઓ કરિયાણાની ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે.

 બિસ્કિટ ઉત્પાદક પારલેએ બફર સ્ટોક તૈયાર રાખ્યો છે. શાહે ઉમેર્યું કે અમે રિટેલ પાર્ટનર્સને પણ સપ્લાય જળવાઈ રહે તે માટે સ્ટોક વધારવા જણાવ્યું છે. આ ઉપરાંત અમારી ફેક્ટરીઓ પર પણ કાચી સામગ્રીનો વધારાનો સ્ટોક રાખવામાં આવ્યો છે.

આવો જ મત વ્યક્ત કરતા ડાબર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહિત મલ્હોત્રાએ જણાવ્યું કે ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસ વચ્ચે ડિમાન્ડ વધે તો તેને પહોંચી વળવા સપ્લાય વધારવામાં આવ્યો છે.

એડલવાઈસ ફાઈનાન્શિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અબનીષ રોયે જણાવ્યું કે અગાઉની બે લહેર વખતે જોવા મળ્યું હતું તે પ્રકારની ખરીદી કદાચ નહીં થાય.

ઇમામી એગ્રોટેકના ડિરેક્ટર ક્રિષ્ના મોહને જણાવ્યું કે રાજ્યોના વહીવટીતંત્રો ચુસ્ત નિયમો લાગુ કરશે તેવી ધારણાએ ગ્રાહકો ખાદ્ય તેલ સહિતની ફૂડ આઇટમોની ખરીદી કરી રહ્યા છે.

Share This :

Related Articles

Leave a Comment