વર્લ્ડ / કોરોનાની હાલની સ્થિતિ પર પીએમ મોદીએ રાજ્યોને ચેતવ્યા.

  • 10-Jan-2022 11:19 AM

 દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. આ જાણકારી સૂત્રોએ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક કરી કે જેમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન પીએમ મોદીએ જિલ્લાસ્તર પર પર્યાપ્ત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં કહ્યું કે રાજ્યોની સ્થિતિઓ અને તૈયારીઓ પર ચર્ચા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક થશે. તેમણે કોરોના સંબંધિત નિયમોનું પાલન અને રસીકરણ પર ભાર મૂક્યો હતો. સાથે જ મિશન મોડ પર કિશોરો માટે વેક્સિનેશન અભિયાનને વધુ ઝડપી કરવાનો આગ્રહ કર્યો. તેમજ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન તેમણે બિન-કોવિડ સ્વાસ્થ્ય સેવાઓને ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.


અહીં નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસોમાં રોજ કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસ 5 હજારથી ઉપર કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે પૂરા થયેલા 24 કલાકમાં નવા કેસોના આંકડામાં 500 કરતા વધુનો વધારો થયો છે. રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 6,275 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં પણ નવા કેસોના આંકડા ડરાવી રહ્યા છે. અમદાવાદમાં રવિવારે 2,877 અને સુરતમાં 1,696 કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં ઓમિક્રોનના કોઈ નવા કેસ નોંધાયા નથી અને કોઈ મૃત્યુ પણ થયું નથી.

જ્યારે દેશમાં બીજી લહેર કાબૂમાં આવ્યા પછી પાછલા કેટલાક લાંબા સમયથી 28 ડિસેમ્બર સુધી કોરોનાના દૈનિક કેસનો આંકડો 10 હજારની અંદર નોંધાતો હતો. જોકે, 15 જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતા કોરોનાએ ફરી પાછો પોતાનો ભડકો કરવાનું શરુ કર્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ઝડપથી નવા કેસનો આંકડો વધી રહ્યો છે. 30 મે પછી ફરી એકવાર દેશમાં કોરોનાના દૈનિક કેસ 1.50 લાખને પાર થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં દેશમાં વધુ 1.59 લાખ કરતા વધુ કેસ નોંધાયા છે અને 300થી વધુ દર્દીઓના મોત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 1,59,632 કેસ નોંધાયા છે, 40,863 દર્દીઓ કોરોનાને હરાવીને સજા થયા છે અને 327 દર્દીઓના મૃત્યુ થયા છે.

ઓમિક્રોન વાયરસ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતા હળવો હોવાનું વિવિધ એક્સપર્ટ્સ દ્વારા શરુઆતના તબક્કામાં સ્વીકારવામાં આવ્યું છે પરંતુ આ વાયરસ ઝડપથી લોકોને સંક્રમિત કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આવા કિસ્સામાં દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 3,623 થઈ ગઈ છે. ભારતમાં 27 રાજ્યોમાંથી ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1,409 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.

Share This :

Related Articles

Leave a Comment