બોલીવુડ / 'India's Best Dance 2'ની વિજેતા બની સૌમ્યા કાંબલે, પિતાની આંખમાં ગર્વ જોઈ બેવડાયો આનંદ.

  • 10-Jan-2022 11:31 AM

ડાન્સ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2'એ મહિનાઓ સુધી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું. કન્ટેસ્ટન્ટ્સના કેટલાય મહિનાઓના અથાક પરિશ્રમ અને ઉત્તમ ડાન્સ પર્ફોર્મન્સિસ બાદ આખરે શોની બીજી સીઝનને વિજેતા મળી ગયો છે. શોની બીજી સીઝન પૂણેની સૌમ્યા કાંબલેએ જીતી છે. સૌમ્યા કાંબલેને ઈનામમાં 15 લાખ રૂપિયા અને કાર મળી છે. જ્યારે તેની કોરિયોગ્રાફર વર્તિકા ઝાને પાંચ લાખ રૂપિયાનો ચેક મળ્યો છે.

આશા ભોંસલે શોમાં મહેમાન બનીને આવ્યાં ત્યારે તેમણે સૌમ્યાને 'હમારી છોટી હેલન' કહીને સંબોધી હતી. શો જીત્યા બાદ 'છોટી હેલન' સૌમ્યાએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે પોતાની જર્ની અને જીત વિશે વાત કરી હતી. તેણે કહ્યું, "મેં આજના દિવસ માટે ખૂબ મહેનત કરી છે અને હું ખુશ છું કે જીતી. હું મારા પેરેન્ટ્સ, મારી કોરિયોગ્રાફર વર્તિકા ઝા, મને સપોર્ટ કરનારા તમામ લોકો, શોના જજીસ અને અન્ય કોરિયોગ્રાફરો તેમજ મને વોટ આપનારા સૌનો આભાર માનું છું."

saumya kamble1


16 વર્ષની સૌમ્યા માટે ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવો સરળ નહોતો. તેના પિતા ઈચ્છતા હતા કે તે ડૉક્ટર બને. પરંતુ સ્ટેજ પર તેનું પર્ફોર્મન્સ, શોમાં મહેમાન બનીને આવેલા સેલિબ્રિટીઝ અને જજીસ તરફથી મળેલા પ્રોત્સાહને તેમને વિશ્વાસ અપાવ્યો કે તેમની દીકરીમાં ડાન્સનું ટેલેન્ટ ઈશ્વરની દેન છે. શો દરમિયાન પિતાના હૃદય પરિવર્તન અંગે વાત કરતાં સૌમ્યાએ કહ્યું, "મારી જીત બાદ મારા પપ્પાએ ટ્રોફી ઊંચકી ત્યારે તેમને જોઈને મને લાગ્યું કે તેઓ ગર્વ અનુભવતા હતા. આ જોઈને હું ભાવુક થઈ ગઈ કારણકે અગાઉ તેમણે મને સપોર્ટ નહોતો કર્યો. હું ટોપ-5માં પસંદ થઈ ત્યારે તેમણે મને કહ્યું હતું કે, હું ડાન્સર બની શકું છું."


સૌમ્યાના કહેવા અનુસાર, તેના પિતાએ તેને ડાન્સર તરીકે સ્વીકારી એ ક્ષણે તેણે સૌથી મોટી ઉપલ્બ્ધિ હાંસલ કરી. "જ્યારે તેમણે કહ્યું કે, આ ડાન્સર બનશે એ ક્ષણમાં મારા માટે ખૂબ અગત્યની હતી, મારું બધું જ હતી એમ કહું તો ચાલે", તેમ સૌમ્યાએ ઉમેર્યું.

શરૂઆતમાં પિતાએ સૌમ્યાનો સાથ નહોતો આપ્યો પરંતુ મમ્મીનો સાથ હંમેશાથી રહ્યો હતો. સૌમ્યાની મમ્મી પણ ભૂતકાળમાં ડાન્સર બનવા માગતી હતી. "આજે હું અહીં છું તેનો શ્રેય મારી મમ્મીની મહેનત અને તેના સપોર્ટને જાય છે. તેના સાથે જ મને હિંમત આપી. ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવાનું મારી મમ્મીનું સપનું ક્યારેય પૂરું ના થઈ શક્યું. મારા કોશ્ચ્યૂમ સીવવા માટે મારી મમ્મી કેટલીય રાતો જાગી છે પરંતુ તેનો સંઘર્ષ કોઈ નથી જાણતું. આ જ કારણે હું સખત પરિશ્રમ કરતી હતી જેથી તેને મારા પર ગર્વ થાય. અમારા પર્ફોર્મન્સ પહેલા મમ્મી અમને સલાહ-સૂચન આપતી અને તે શો માટે ખૂબ ઉત્સાહિત રહેતી. એટલે આમ જોવા જઈએ તો એક રીતે મેં ટ્રોફી જીતીને મારી મમ્મીનું સપનું પૂરું કર્યું છે."

કોની સાથે કામ કરવાનું સપનું છે? આ સવાલના જવાબમાં સૌમ્યાએ કહ્યું, "હું નોરા (ફતેહી) મે'મ સાથે ડાન્સ કરવા અથવા તેમના માટે કોરિયોગ્રાફી કરવા માગુ છું. આ હું ચોક્કસથી કરવા માગુ છું."

બેસ્ટ પાંચ ફાઈનલિસ્ટમાંથી જયપુરનો ગૌરવ સરવાન ફર્સ્ટ રનર-અપ જાહેર થયો છે. ઓડિશાની રોઝા રાણા સેકન્ડ રનર-અપ, અસમનો રક્તિમ ઠાકુરિયા થર્ડ રનર-અપ, કેરળની ઝમરુધ ફોર્થ રનર-અપ જાહેર થઈ છે. આ ચારેયને એક-એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ઉપરાંત ચેનલ તરફથી પણ રનર-અપ્સને એક-એક લાખ રૂપિયાનો ચેક અપાયો છે.

Share This :

Related Articles

Leave a Comment